ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એન.વી. રમણે એક પુસ્તકના વિમોચન વખતે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું હવે દેશમાંથી ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમનો યુગ આથમી ગયો છે. મીડિયામાં હવે સર્વાંગી રીતે ફૂલગુલાબી ચિત્ર રજૂ કરવામાં આવે છે. પહેલાં આવી સ્થિતિ ન હતી. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી. રમણે પુસ્તક વિમોચનના એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે કહ્યું હતું દેશમાં ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ એટલે કે સંશોધનાત્મક પત્રકારનો યુગ જાણે પૂરો થઈ ગયો છે. હવે એ પ્રકારનું પત્રકારત્વ દેખાતું નથી. પહેલાં સમાચારોમાં જે વિસ્ફોટક માહિતી આપવામાં આવતી તેના કારણે કેટલાય કૌભાંડોનો પર્દાફાશ થતો હતો. હવે એ પ્રકારના વિસ્ફોટક સમાચારો પ્રસિદ્ધ થતાં જ નથી.
મુખ્ય ન્યાયમૂર્તિએ ઉમેર્યું હતું હું જ્યારે યુવાનીમાં પ્રવેશ્યો ત્યારે અખબારો તેજાબી સમાચારો પ્રસિદ્ધ કરતા હતા. લોકો એના માટે ઉત્સુક રહેતા અને મીડિયાએ એ વાતે લોકોને ક્યારેય નિરાશ કર્યા ન હતા. પરંતુ જમાનો બદલાઈ ચૂક્યો છે. હવે આપણી આસપાસ બધું સુંદર અને ફૂલગુલાબી ચિત્ર જ રજૂ કરવામાં આવે છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે મીડિયાએ સંસ્થાગત અને વ્યક્તિગત ભ્રષ્ટાચારોને ઉજાગર કરીને સમાજને અરીસો બતાવવો જોઈએ. દેશના વ્યવસ્થાતંત્રમાં કે સિસ્ટમમાં જે ખામી છે તેની જાણકારી લોકોને આપવી જોઈએ. એવું કરવાથી જ કોઈ પણ દેશનું વ્યવસ્થાતંત્ર બહેતર બનતું હોય છે. સીજેઆઈ એન.વી. રમણની કારકિર્દી તમિલ અખબાર ઈનાડુથી થઈ હતી.
એન.વી. રમણ ન્યાયતંત્રમાં આવ્યા એ પહેલાં તેમણે થોડો વખત પત્રકાર તરીકે કાર્ય કર્યું હતું. સીજેઆઈએ પત્રકાર સુધાકર રેડ્ડીના પુસ્તક બ્લડ સેન્ડર્સ : ધ ગ્રેટ ફોરેસ્ટ હેઈસ્ટનું વિમોચન કર્યું હતું.