જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં છેલ્લાં બે ત્રણ દિવસથી ભિષણ ગરમી પડી રહી છે. લોકોના હાલ બેહાલ થયા છે. જામનગરમાં મહત્તમ તાપમાનનો પારો 39.0 ડિગ્રીએ પહોંચી જતા શહેરીજનો આકરા તાપમાં સેકાયા હતાં. હોળીનો તહેવાર આવી ચૂકયો છે. ત્યારે જામનગરમાં તાપમાનનો પારો ઉંચકાતા બપોરના સમયે શહેરના માર્ગો સુમસામ બન્યા હતાં અને આકરાં તાપથી બચવા લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું હતું.
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. ત્યારે હજુ સિઝનની શરૂઆત જ હોય, જામનગરમાં તાપમાનનો પારો 39.0 ડિગ્રીઓ પહોંચી જતા શહેરમાં જાણે આકાશમાંથી અગ્નિવર્ષા થતી હોય તેવો અનુભવ શહેરીજનોએ કર્યો હતો. બપોરના સમયે બળબળતી લૂ થી રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન થયા હતાં. જામનગર કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 39.0 ડિગ્રી, લઘુતમ તાપમાન 19.0 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 67 ટકા જ્યારે પવનની ગતિ 5 થી 10 કિ.મી. પ્ર.ક.ની રહેવાની પામી હતી.
જામનગરમાં બપોરના સમયે અસહ્ય ગરમી અને અંગ દઝાળતી લૂ વર્ષાના કારણે જનજીવન જાણે થંભી ગયું હોય તેવો માહોલ શહેરમાં જોવા મળ્યો હતો. ભીષણ ગરમીના કારણે પશુ-પક્ષીઓની હાલત પણ કફોડી બની હતી. કાળઝાળ ગરમીના કારણે ગરમીથી બચવા શહેરીજનોએ ઠંડા-પીણા, શેરડીનો રસ, તરબુચ સહિતની ઠંડી વસ્તુઓનો સહારો લીધો હતો. હજુ ઉનાળાની શરૂઆત હોય તાપમાનનો પારો 40 ડિગ્રીની નજીક પહોંચી જતા આગામી દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.