ગુજરાત સરકારનું રમકડું બની ગયેલું ગુજરાત વીજ નિયમન પંચ ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવામાં સદંતર નિષ્ફળ નીવડયું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કારણ કે, વીજ વિતરણ કંપનીઓ દ્વારા નિયમોનો ભંગ કરીને વીજળીની કરાતી ખરીદી અને સસ્તા ભાવે મળતી વીજળી પહેલા ખરીદવાને બદલે મોંઘા ભાવની વીજળીની ખરીદી કરીને મેરિટ ઓર્ડરનો ભંગ કરતી કંપનીઓ સામે પણ ગુજરાત વીજ નિયમન પંચ કોઇ જ પગલાં લઇ શકતું નથી.
તેનું કારણ આપતા જાણકારો કહે છે કે આજે જર્કમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ગુજરાત ઉર્જા વિકાસ નિગમમાંથી ડેપ્યુટેશન પર જર્કમાં આવેલા છે. જર્કમાં અત્યારે કામ કરતાં 50 ટકાથી વધુ અધિકારીઓ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેની છ પેટા કંપનીઓમાંથી જ આવેલા છે. ગુજરાતના વીજ ગ્રાહક દ્વારા મોકલવામાં આવતો કોઇપણ પત્ર જર્કના મેમ્બર સેક્રેટરી સુધી પહોંચે તે પહેલા ગુજરાત ઉર્જા વિકાસ નિગમને મોકલી દેવામાં આવે છે. ગુજરાત સરકારની વીજ કંપનીઓ પોતાનાપાવર પ્લાન્ટમાં ઓછી વિજળી પેદા કરીને પછી ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદીને પછી ફ્યુઅલ પ્રાઇસએન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ-એફપીપીપીએની ફોમર્યુલા હેઠળ તેનો બોજ ગ્રાહકોને માથે નાખી દે છે. તેમ છતાંય જર્કના અધિકારીઓ ગુજરાત સરકારની વીજ કંપનીઓને ટપારતા પણ નથી. મોંઘાભાવે ખાનગી ઉત્પાદકોની વીજળી ખરીદવામાં આવતી હોવાથી એફપીપીપીએી ફોર્મ્યુલા હેઠળ ગુજરાતના વીજ વપરાશકારોને વધુ દામ ચૂકવવાની ફરજ પડે છે.
ખાનગી કંપનીઓ સાથે યુનિટદીઠ રૂા.2.42ના ભાવથી વીજળી ખરીદવાનો કરાર કર્યા હોવા છતાંય તેમની પાસેથી માત્ર 20 ટકા જ વીજળી ખરીદવામાં આવી હતી. તેને બદલે યુનિટદીઠ રૂા.7ના ભાવે વીજળીનો પુરવઠો આપનારાઓ પાસેથી વીજળીની ખરીદી કરીને વીજ ગ્રાહકોના માથા પરનોબોજ વધાર્યો છે. ગુજરાત સ્ટેટ ઇલેકિટ્રસિટી કોર્પોરેશન લિમિટેડ હેઠળ ચાલતી વીજ ઉત્પાદન કંપનીઓનું પરફોર્મન્સ અત્યંત નબળું હોવા છતાંય તેમને પરફોર્મન્સમાં સુધારો કરવાની ફરજ પાડવા માટે કોઇ જ પગલાં લેવાયા નથી. ગુજરાત વીજ નિયમન પંચની રચના પાછળનો મૂળભૂત હેતુ વીજજોડાણ લેનારા ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો છે. પરંતુ આ જવાબદારી અદા કરવામાં ગુજરાત વીજ નિયમ પંચ-જર્ક ધરાર નિષ્ફળ નીવડયું છે.
ગ્રાહકોના હિતોના રક્ષણ માટે રચાયેલું વીજ નિયમન પંચ ખુદ ગ્રાહકોને આંચકા આપે છે !
ખાનગી વીજ કંપનીઓ પાસેથી ઉંચા ભાવે વિજળી ખરીદી, ગ્રાહકો પાસેથી ઉંચા દામ વસુલવામાં આવે છે