ઉત્તરપ્રદેશના અલીગઢને તાળાની નગરી કહેવામાં આવે છે. અલીગઢમાં તાળા બનાવવાનો વ્યવસાય ઘણો જુનો છે. ત્યારે અલીગઢમાં રહેતા એક વૃદ્ધ દંપતીએ વિશ્વનું સૌથી મોટું તાળું બનાવ્યું છે. જેનો વજન છે 300 કિલો અને આ તાળાની ચાવી છે 12 કિલોની. વૃદ્ધ દંપતીએ જણાવ્યું હતું કે તેઓ કંઇક એવું કરવા માંગે છે કે તેનું નામ રોશન થઇ જાય માટે તેઓએ આ તાળું બનાવવાનું વિચાર્યું.
અલીગઢના જ્વાલાપૂરી વિસ્તારમાં એક નાનકડા રૂમમાં આ તાળું બનાવાઈ રહ્યું છે. 300 કિલોના આ તાળાને એક વૃદ્ધ દંપતી સત્યપ્રકાશ શર્મા અને રુકમણી શર્માએ પોતાના પુત્ર અને અન્ય પરિવારજનોની મદદથી બનાવ્યું છે. તેમનો પરિવાર છેલ્લા 100 વર્ષથી આ વ્યવસાય કરે છે. 6ફૂટ અને 2ઇંચ લાંબા તથા 2ફૂટ અને 9:50 ઇંચ પહોળા તાળાને બનાવવા માટે 60 કિલો પિત્તળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તાળાની ચાવી 40 ઈંચની છે, જેનું વજન અંદાજે 12 કિલો જેટલું થાય છે. અને 1લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે.
દંપતીએ કહ્યું હતું કે, તેઓ એવું કાર્ય કરવા ઇચ્છતા હતા કે, જેના દ્વારા તેમનું નામ રોશન થાય. તેમણે નરેન્દ્ર મોદી તથા યોગી સરકારને અપીલ કરી હતી કે આ તાળાને દેશમાં આયોજાતાં પ્રદર્શનોમાં એક મોડલ તરીકે મૂકવામાં આવે. આ દંપતીએ અયોધ્યામાં નિર્માણ થઈ રહેલ રામ મંદિર માટે પણ એક ભવ્ય તાળું બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.