લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતી તરૂણીને સ્કુલે લેવા મૂકવા આવતા ઈકો કારનો ચાલક લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફેસાવી અપહરણ કરી ગયાની ભોગ બનનારની માતા દ્વારા પોલીસ અધિક્ષકને ફરિયાદ કરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતાં રીટાબેન નામના મહિલા તથા તેનો પરિવાર ખેતી કામ કરે છે અને સંતાનમાં એક 17 વર્ષની પુત્રી અને એક 15 વર્ષનો પુત્ર છે. મહિલાની પુત્રી લાલપુરની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને ગજણાથી લાલપુર અબડાઉન કરતી હતી તે દરમિયાન ઈકો કારનો ચાલક સમીર કારા હુશેન હમીરાણી નામનો શખ્સ ઈકો કારમાં તરૂણીને લઇ આવતો અને મૂકી આવતો જેના કારણે ઈકો કારચાલક સમીરના સંપર્ક આવી હતી. જેથી સમીરે તરૂણીને લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી હતી. સમીરે અગાઉ પણ બે વખત તરૂણીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે નિષ્ફળ ગયો હતો. જેથી તરૂણીને ઈકોમાં અવર-જવર કરવાનું બંધ કરાવી દીધું હતું.
દરમિયાન તરૂણીને તેની માતા ગત તા. 26 ના રોજ સવારના સમયે સ્કૂલે જવા માટે ઉઠાડવા ગયા હતાં ત્યારે તરૂણી ઘરે જોવા મળી ન હતી. જેથી માતાને સમીર ઉપર શંકા ગઈ હતી અને સમીરના ફોન પર સંપર્ક કરતા તેનો ફોન બંધ આવતો હતો તેમજ ગામમાંથી પણ જતો રહ્યો હતો. પુત્રીના અપહરણની ફરિયાદ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુને કરવામાં આવી હતી. જેમાં તરૂણીની માતાએ તરૂણીને લલચાવી ફોસલાવી અપહરણ કરી જનાર નરાધમને ઝડપી લેવા તથા તરૂણીને મુકત કરાવવા અપીલ કરી હતી. આ બનાવમાં પોલીસે સમીર વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.