જામનગર-રાજકોટ હાઈ-વે પર ધ્રોલ તાલુકાના વાગુદળ ગામના પાટીયા નજીક એસટી બસના ચાલકે પૂરઝડપે આવી અચાનક વળાંક લેતા રાજકોટ તરફથી આવતી વરરાજાની કારની ડ્રાઈવર સાઈડ બસ સાથે અથડાતા અકસ્માતમાં કારચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે વરરાજા સહિતનાને ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, રાજકોટમાં રહેતા કિશન સામતભાઈ સોલંકી નામના યુવાનના લગ્ન ધ્રોલ તાલુકાના વીરાણી ખીજડિયા ગામમાં યોજાયા હતાં અને શનિવારે સવારે રાજકોટથી ધ્રોલ તરફ જાન આવતી હતી ત્યારે ધ્રોલ તાલુકાના વાગુદડ ગામના પાટીયા નજીક સરમરીયા દાદાના મંદિર પાસે પહોંચ્યા ત્યારે પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-18-ઝેડ-0450 નંબરની એસટી બસના ચાલકે બસ એકાએક વળાંક લેતાં વરરાજાની જીજે-03-એલઆર-7716 નંબરની કાર બસ સાથે અથડાતા આ ગમખ્વાર અકસ્માતમાં વરરાજાની કારના ચાલક રાજુ નરશી કુકડિયા (ઉ.વ.35) (રહે. રાજકોટ) નામના યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું તેમજ વરરાજા કિશન સોલંકીને પણ ઈજા પહોંચી હતી.
તેમજ કારમાં બેસેલા આરોહિ વિપુલ સોલંકી, યોગેશ ભરત માંડલિયા, વિષ્ણુ ભરત માંડલિયા, શિતલ ભરત માંડલિયા, કોમલબેન વિપુલ સોલંકી તથા ભરત વલ્લભભાઈ માંડલિયા અને અરૂણાબેન ભરત માંડલિયા નામના દંપતી સહિત આઠ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જે ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં અને વરરાજાને ઈજા પહોંચતા લગ્ન મોકૂફ રાખવામાં આવ્યાં હતાં. બનાવની જાણ કરાતા પીએસઆઈ એમ.આર. સવસેટા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બસ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.