જામનગર શહેરના પટેલવાડી પાસેથી પૂરપાટ આવી રહેલી સ્વીફટ કાર મકાનની દિવાલ તોડી ઘુસી જતાં અકસ્માતમાં ચાલકને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર-6 ના છેડે આવેલા વ્રજવિહાર ટેનામેન્ટમાં રહેતાં પ્રફુલ્લસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.48) નામના યુવાન ગઈકાલે રાત્રિના સમયે તેની જીજે-10-ડીજે-8280 નંબરની કારમાં જતાં હતાં તે દરમિયાન પટેલવાડી તરફ જવાના માર્ગ પર પસાર થતા સમયે ગાય અચાનક આડી ઉતરતા ગાયને બચાવવા જતાં કારચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે કાર મકાનની દિવાલ સાથે ધડાકા સાથે અથડાઈને દિવાલ તોડી ઘરમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં રહેલા ચાલક પ્રફુલ્લસિંહને પગમાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ ુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ યુવાનનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઈ દિલીપસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા હેકો એસ.એ. મકવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.