ખકાલાવડ તાલુકાના ઉમરાણા ગામમાં રહેતો સાત વર્ષનો બાળક વાડી વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે છ થી સાત જેટલા કૂતરાઓએ એક સાથે હુમલો કરતા શરીરેના જુદા જુદા ભાગોમાં બટકા ભર્યા હતાં. જેના કારણે ગંભીર ઈજા પહોંચતા પ્રથમ કાલાવડ અને ત્યારબાદ જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જામનગર શહેરમાં રખડતા પશુઓનો આતંક કહેર વર્તાવી રહ્યો છે અને શહેરીજનો ઉપર હુમલો કરવાની અનેક ઘટનાઓ બની ગઇ છે. ત્યારે કાલાવડ તાલુકાના ઉમરાણા ગામમાં મજૂરી કામ કરતા દેવગઢ બારીયાના જગાભાઈ નાયક નામના યુવાનનો પુત્ર હરેશ (ઉ.વ.7) નામનો બાળક ધનજીભાઈ ભંડેરીની વાડીમાં મજૂરી કામે જતો હતો ત્યારે વાડી વિસ્તારમાંથી પસાર થતા સમયે છ થી સાત જેટલા કૂતરાઓ આવી ચડયા હતાં અને એક સાથે માસૂમ બાળક ઉપર હુમલો કરી ફાડી ખાધો હતો. કૂતરાઓ દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા બાળકનો માંડ-માંડ બચાવ થયો હતો. ત્યારબાદ ઘવાયેલા બાળકને કાલાવડની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ હરેશને વધુ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કૂતરા દ્વારા કરાયેલા હુમલાથી ગ્રામજનોમાં ભય ફેલાઈ ગયો હતો.