જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયાની આગેવાની હેઠળ જિલ્લા કોંગ્રેસ સમિતિએ અગ્રણીઓ દ્વારા જામનગર જિલ્લાના અતિવૃષ્ટિ ગ્રસ્ત 21 ગામોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના કાર્યવાહક પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલ પણ જોડાયા હતાં. અસરગ્રસ્ત ગામોમાં પૂરથી થયેલા નુકસાન અંગે તાકિદે સર્વે કરી લોકોને સહાયતા ચૂકવવા માંગણી કરવામાં આવી છે.
અતિવૃષ્ટિ અંગે કલેકટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તા. 12 થી તા. 13-9 સુધી અતિવૃષ્ટિથી તથા પૂરહોનાતરથી જામનગર જિલ્લાના અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળતાં ખેડૂતોના પાકોનું તથા જમીનોનું ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ધોવાણ થયું હતું તથા પશુધન પણ દરેક ગામોમાં નાશ થયેલ હતું. વિજળીના થાંભલાઓ તૂટી જવાથી સંપર્ક વિહોણા દરેક ગામો બનેલા હતાં અને દરેક ઘરોમાં પાણી આવતા જીવનજરુરી ચીજવસ્તુઓનો નાશ થયો હતો. ઉપરાંત કાચા-પાકા મકાનો સંપૂર્ણ ધ્વસ્ત થયા હતાં. આ ગ્રામ્ય વિસ્તારોનું ઓછામાં ઓછું 6 થી 8 મહિના સુધી રાબેતા મુજબ થવું મુશ્કેલ છે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જીવન જરુરી તમામ ચીજવસ્તુઓ અને ઘરવખરીનો સામાન નષ્ટ થયો છે. તો તાત્કાલિક યુધ્ધના ધોરણે જે તે ગામમાં સર્વે કરી કેસડોલ તેમજ જરુરી સહાય ચૂકવવા માગણી કરવામાં આવી છે. જે લોકો ઘર વિહોણા છે તેઓને વૈકલ્પિક વ્યવસ્થા અત્યંત જરુરી છે તથા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જીવણભાઇની આગેવાની હેઠળ નીચે મુજબના ગામોમાં આશ્ર્વાસન અને જીવન જરુરી ચીજવસ્તુઓ આપી મદદ કરવામાં આવી હતી. જે ગામોમાં ધુતારપુર, નિષ્ઠાનગરી, જયનગર, ધુળશીયા, ખંઢેરા, હરિપર, મોટીમાટલી, ખાનકોટડા, બાંગા, કૃષ્ણપુર, નાનીવાવડી, કાલાવડ, અલીયાબાડા, સૂર્યપરા, મોડા, ખીમરાણા, નાઘુના, લાવડીયા, મકવાણા, ઢંઢા, દડીયા વગેરે ગામોની જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.