કોરોના કહેર વચ્ચે દેશમાં બ્લેક ફંગસના કેસ સતત વધી રહ્યા છે.ફંગલ ઇન્ફેકશન કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં વધુ જોવા મળી રહ્યું છે. એઈમ્સના ડિરેક્ટર, ડો. રણદીપ ગુલેરિયાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, કોવિડ -19 રોગચાળાની બીજી લહેર દરમિયાન ફેલાઇ રહેલા બ્લેક ફંગસ અથવા મ્યૂકરમાઇકોસિસ સંક્રમણની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. જેમાં મ્યૂકરમાઇકોસિસ થવા પાછળનું કારણ સ્ટીરોઇડ્સ જણાવ્યું છે.
એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે ફંગસનો ચેપ પહેલા અમુક કેસોમાં જ જોવા મળતો હતો જે દર્દીઓને હાઈ સુગર, ડાયાબિટીઝ, ઓછી રોગપ્રતિકારક શક્તિ અથવા કેમોથેરેપી પરના કેન્સરના દર્દીઓવાળા લોકોમાં જોવા મળતું હતું. પરંતુ આજે વધુ કેસ સામે આવી રહ્યા છે. આ સાથે ડો.ગુલેરિયાએ જણાવ્યું હતું કે, સ્ટેરોઇડ્સના વધારે ઉપયોગને કારણે મ્યૂકરમાઇકોસિસના કેસ આવી રહ્યા છે.
એઇમ્સના ડિરેક્ટરે જણાવ્યું કે બ્લેક ફંગસ ચહેરા, નાક, આંખ અથવા મગજને અસર કરી શકે છે. તે દ્રષ્ટીની ક્ષમતાને પણ નબળી બનાવી શકે છે. તે ફેફસામાં પણ ફેલાઇ શકે છે. આની પાછળનું સૌથી મોટું કારણ સ્ટીરોઇડ્સ છે. ડાયાબિટીઝ અને કોરોનાથી પીડાતા અને સ્ટીરોઇડ્સ લેતા લોકોને ચેપ લાગવાની સંભાવના વધારે હોય છે.અને મ્યૂકરમાઇકોસિસમાં મૃત્યુદર પણ વધારે છે.