બિલ્કિસ બાનો કેસમાં દોષીઓને છોડી દેવાના ગુજરાત સરકારના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજીમાં તમામ દોષિતોની સજા પર ફેરવિચારણા માટે વિનંતી કરવામાં આવી છે. ચીફ જસ્ટિસની અધ્યક્ષતા હેઠળની બેન્ચે અરજી સંદર્ભે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અપર્ણા ભટ્ટની દલીલો સાંભળી હતી. સુપ્રીમ કોર્ટ બિલ્કિસ બાનો કેસમાં કરાયેલી અરજી પર વિચારણા માટે સંમત થઈ છે. ઉલ્લેખનિય છે કે, ગોધરા કાંડ પછી ગુજરાતમાં તોફાનો થયા હતા. જેમાં બિલ્કિસ બાનોના પરિવારના સાત સભ્યોની હત્યા થઈ હતી. ઉપરાંત, તોફાની તત્વોએ બિલ્કિસ બાનો સાથે સામૂહિક દુષ્કર્મ પણ આચર્યું હતું. મુંબઇની એક વિશેષ સીબીઆઇ કોર્ટે 21 જાન્યુઆરી, 2008ના રોજ હત્યા અને સામૂહિક દુષ્કર્મના કેસમાં તમામ 11 આરોપીને જન્મટીપની સજા કરી હતી. આ દોષિતોએ 15 વર્ષથી વધુ સમય જેલમાં સેવા આપી હતી. ત્યાર પછી એક દોષિતે સજાની મુદત કરતાં વહેલા છોડવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે ગુજરાત સરકારને સજામાં રાહત આપવાના મુદ્દે 1992ની નીતિ અનુસાર નિર્ણય લેવા જણાવ્યું હતું. સરકારે એક સમિતિની રચના કરી હતી અને તેણે તમામ દોષિતોને સમય કરતાં વહેલા છોડવાનો આદેશ આપ્યો હતો.