રાજકોટમાં ગઈકાલે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી જાવરીમલ બિશ્ર્નોઈ રૂપિયા 5 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા હતા. આ મામલે સીબીઆઇ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને એમાં અધિકારી લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા હતા. જોકે જાવરીમલ બિશ્ર્નોઇએ વહેલી સવારે ચોથા માળેથી ઝંપલાવતાં ગંભીર ઇજા સાથે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ સારવાર મળે એ પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું.
ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જાવરીમલ બિશ્ર્નોઈએ ઓફિસના બિલ્ડિંગના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. આજે સવારે ઓફિસના ચોથા માળેથી કૂદકો મારી દેતાં હાજર સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. સીબીઆઈવી ટ્રેપ બાદ આખી રાત તેમની ઓફિસ અને ઘરમાં દરોડાની કાર્યવાહી ચાલી હતી. સિનિયર અધિકારીએ બદનામીના ડરથી આપઘાત કર્યાની શંકા સેવાઈ રહી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી દ્વારા ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસમાં ફૂડ કેનની નિકાસ માટેની અરજી કરવામાં આવી હતી. આ અંગેના તમામ આવશ્યક દસ્તાવેજો ધરાવતી 6 ફાઈલ ડાયરેક્ટ જનરલ ઓફ ફોરેન ટ્રેડની રાજકોટ ખાતેની ઓફિસમાં જમા કરી હતી, પરંતુ ફોરેન ટ્રેડના વરિષ્ઠ અધિકારી DGFT જાવરીમલ બિશ્ર્નોઇ દ્વારા આ મામલે ગઘઈ આપવા માટે રૂપિયા 9 લાખની લાંચ માગવામાં આવી હતી.
નોંધનીય છે કે ફરિયાદીના મતે આ એનઓસી તેના માટે અતિઆવશ્યક હતું, કારણ કે તેણે પોતાની ફૂડ કેનની નિકાસ માટે બેંકમાં રૂપિયા 50 લાખની ગેરન્ટી લીધી હતી અને એના માટે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડનું એનઓસી જરૂરી હતું, પરંતુ લાંચિયા અધિકારી જાવરીમલ બિશ્ર્નોઇ દ્વારા રૂપિયા 9 લાખની માગણી કરતાં ફરિયાદીએ એવું નિર્ધારિત કર્યું હતું કે તે પ્રથમ હપતા પેટે રૂપિયા 5 લાખ જાવરીમલને આપી દેશે.
ગઈકાલે શહેરની ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલી ફોરેન ટ્રેડની ઓફિસના ચોથા માળે ફરિયાદી આરોપી જાવરીમલને રૂપિયા પાંચ લાખ આપવા ગયા હતા અને જાવરીમલ બિશ્નોઇએ આ રકમ સ્વીકારી હતી. એ જ સમયે સીબીઆઇની ટીમ ઓફિસમાં પહોંચી ગઈ હતી અને રૂપિયા 5 લાખની લાંચ લેતા જાવરીમલ બિશ્ર્નોઇને રંગે હાથ ઝડપ્યા હતા. બાદમાં સીબીઆઇ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપી અધિકારીની રાજકોટ અને તેના વતન સહિત ઓફિસ તથા ઘર પર સર્ચ ચલાવવામાં આવી રહ્યું છે.