જામજોધપુર તાલુકાના સડોદર ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતા યુવાનનું કોઇ કારણસર મોત નિપજતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી. જામનગરના અલિયાથી નેવી મોડા વચ્ચેના રેલવે ટ્રેક પર અજાણ્યા યુવાનનું ચાલુ ટ્રેનમાંથી પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યાની ઘટનામાં પોલીસે ઓળખ મેળવવા તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના કોછરા ગામના વતની અને હાલ જામજોધપુર તાલુકાના સડોદર ગામની મુંડા સીમમાં આવેલા રમણિકભાઈના ખેતરમાં મજૂરી કામ કરતા અનિલભાઈ રામચંદ્ર વાઘલે (ઉ.વ.35) નામનો આદિવાસી યુવાન સોમવારે સવારના સમયે ખેતરમાં કોઇ કારણસર મોત નિપજયું હતું. આ અંગેની કિશનભાઇ માલવીયા દ્વારા જાણ કરવામાં આવતા હેકો એ.એન. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી યુવાનનું મોત કઇ રીતે નિપજ્યું ? તે અંગેની તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના અલિયા ગામથી નેવી મોડા વચ્ચેના રેલવે ટ્રેક પરથી સોમવારે કોઇપણ સમયે પસાર થતી ટ્રેનમાંથી આશરે 35 વર્ષના અજાણ્યા યુવાનનું પડી જતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગેની રેલવે કર્મચારી અરવિંદકુમાર દ્વારા જાણ કરવામાં આવતા પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી પાતળા બાંધાના અને શરીરે મેંદી કલર જેવો શર્ટ અને આસમાની કલરનું ટીશર્ટ તથા કાળા કલરનું જીન્સ તેમજ જમણા હાથના કાંડા પાસે અંગે્રજીમાં એમ.જે. ત્રોફાવેલ હોય તથા હાથની કલાઈ પર હનુમાનજીનું ચિત્ર ત્રોફાવેલ યુવાનના જમણા હાથની બે આંગળીઓ તથા અંગુઠો કપાયેલ જૂના નિશાન વાળા મૃતકની ઓળખ મેળવવા તપાસ આરંભી હતી. મૃતક અંગે કોઇપણ માહિતી મળે તો પંચ એ ડીવીઝનના પીએસઆઈ જે.પી. સોઢા મો.9374187995 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.