મુળ જામનગર શહેરના અને હાલમાં જમ્મુ-કાશ્મિર બીએસએફ ખાતે ફરજ બજાવતાં જવાનનું ફરજ દરમિયાન મૃત્યુ નિપજતાં તેના પાર્થિવ દેહને આજરોજ જામનગર લાવવામાં આવ્યો હતો. બપોરબાદ જવાનની અંતિમ યાત્રા યોજાશે.
જામનગર શહેરના અને જમ્મુ-કાશ્મિર બીએસએફ ખાતે ફરજ બજાવતાં તથા મહાનગરપાલિકાના પૂર્વ ચીફ ફાયર ઓફિસરના પુત્ર વિનુ ગોપીનાથ નામના જવાનનું હૃદય બેસી જતાં ફરજ દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. બીએસએફના જવાનનું મૃત્યુ નિપજતાં તેના મૃતદેહને આજરોજ જામનગર ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં બીએસએફની ટુકડી, જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા પોલીસ સ્ટાફ સહિતના દ્વારા આ જવાનને ગાર્ડ ઓફ ઓનર તથા સૈન્યના વિશેષ સન્માન આપી. તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મિર બીએસએફ ખાતે ફરજ દરમિયાન મૃત્યુ પામેલ ગોપીનાથનો મૃતદેહ જામનગર શહેરમાં આવેલ પંચવટી વિસ્તારમાં તેમના નિવાસસ્થાને લઇ આવવામાં આવતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. આજે બપોરે 3:30 વાગ્યે જવાનની સ્મશાનયાત્રા નિકળશે.
જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, કોર્પોરેટર કિશનભાઈ માડમ, શહેર ભાજપા મહામંત્રી વિજયસિંહ જેઠવા, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ હસમુખભાઈ હિંડોચા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી જવાનના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આજે બપોરે લશ્કરી સન્માન સાથે જવાનના અંતિમ સંસ્કાર થશે. જવાનનો મૃતદેહ તેના નિવાસસ્થાને આવતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. તેમજ આ ઘટનાને સમાચાર જામનગર પહોંચતા જામનગર ખાતેના જવાનના મિત્ર-વર્તુળ તેમજ પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.