કાલાવડ તાલુકાના ગોલણીયા ગામમાં દુધાળા ડેમ પાસે આવેલી નદીમાં રાજકોટના ત્રણ યુવાનો ન્હાવા પડયા હતાં તે દરમિયાન ડુબવા લાગતા બે યુવાનોનો આબાદ બચાવ થયો હતો જ્યારે અન્ય એક લાપતા યુવાનનો મૃતદેહ બે દિવસ બાદ જામનગર અને કાલાવડ ફાયર ટીમ દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ગોલણીયા ગામના દુધાળા ડેમ નજીક આવેલી નદીમાં રાજકોટના ત્રણ યુવાનો બે દિવસ પહેલાં ન્હાવા પડયા હતાં. અકસ્માતે યુવાનો ડૂબવા લાગતા બે યુવાનોનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ લાપતા રહેલા એક યુવાનની શોધખોળ માટે જામનગર અને કાલાવડ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બનાવની જાણ થતા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. આજે ફાયર ટીમ દ્વારા નદીમાં શોધખોળના અંતે લાપતા યુવાનની લાશ મળી આવતા પોલીસને સોંપવામાં આવી હતી. જેના આધારે પોલીસે મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.