ઇન્દોરની એક યુવતી સિવિલ જજ બની છે. જીવનમાં ઘણા સંઘર્ષ કર્યા બાદ જજ બનેલી આ યુવતીની વાર્તા ઘણી પ્રેરણાદાયક છે. યુવતીના માતા-પિતા લારી પર શાકભાજી વેચે છે. અને તેણી પણ માતા પિતાની આ કામમાં મદદ કરે છે. અંકિતા નાગર નામની આ યુવતીએ સિવિલ જજની પરીક્ષામાં તેના SC ક્વોટામાં 5 મો રેન્ક મેળવ્યો છે.
અંકિતા નાગર નામની આ યુવતીએ જજ બનવાની આખી સફર વિષે વાત કરી હતી ત્યારે ત્યારે તેનો ચહેરો સંઘર્ષથી મળેલી સફળતાથી ચમકી ઉઠ્યો હતો. તેનીના માતા-પિતા શાકભાજી વેચીને પરિવારનું ભરણપોષણ કરે છે. સાંજે, જ્યારે ગ્રાહકોની ભીડ હોય ત્યારે તેના માતા-પિતાની મદદ કરવા અંકિતા પણ લારી પર શાકભાજી વેચતી. અંકિતાના પિતા તો વહેલી સવારે 5વાગે ઉઠીને બજારમાં જાય છે. અંકિતાનો નાનો ભાઈ રેતી બજારમાં મજુરી કામ કરે છે અને નાની બહેનના લગ્ન થઇ ગયા છે.
નાનકડા પતરાના બનાવેલા ઘરમાં રહેતી અંકિતા દરરોજ 8 કલાક અભ્યાસ કરતી હતી. અને ગરમીના પરિણામે એટલો પરસેવો વળતો કે તેની બુક પણ પલળી જતી હતી. રાત્રે 10 વાગ્યા સુધી શાકભાજી વેચવામાં પરિવારની મદદ કરતી અને રાત્રે 11 વાગ્યે તેણી વાંચવા બેસતી. અંકિતાના પિતાએ કહ્યુ હતું કે ક્યારેક દીકરીના અભ્યાસ માટે પૈસા ન હોય તો ઉછીના લઇને ભણાવતા. પરંતુ ક્યારેય હાર ન માની અને અંકિતાએ પણ જીવનમાં ખુબ સંઘર્ષ કર્યો અને આખરે સફળતા મેળવી.
2017માં તેણે વૈષ્ણવ કોલેજ, ઈન્દોરમાંથી LLB કર્યું હતુ. આ પછી 2021માં LLMની પરીક્ષા પાસ કરી હતી. બે વખત સિલેક્શન ન થયા પછી પણ માતા-પિતા પ્રોત્સાહન આપતા રહ્યા હતા. અને બાદમાં જયારે તેનું પરિણામ આવ્યું તો પરિણામની પ્રિન્ટ લઈને તેની માતા પાસે પહોંચી અને કહ્યું, મમ્મી, હું જજ બની ગઈ છું. અંકિતાએ જણાવ્યું કે પરિણામ એક અઠવાડિયા પહેલા જાહેર થયું હતું. પરંતુ પરિવારમાં મૃત્યુ થયેલ હોવાના કારણે બધા ઈન્દોરની બહાર હતા. ઘરમાં શોકમય વાતાવરણ હતું. તેથી હું તેના વિશે કોઈને કહી શકી નહીં. અંકિતાના જજ બનવાના સમાચાર સાંભળીને તેની માતાની આંખોમાં થી આંસુ છલકાયા હતા.