જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ. તેઓ બપોરે 12:30 વાગ્યે વિજય મુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભરશે. સૂત્રો મુજબ અમદાવાદની નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના તેમજ પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરશે. જગદીશ વિશ્વકર્માની સાથે તેમના 10 ટેકેદારો પણ હાજર રહેશે. એકમાત્ર જગદીશ વિશ્વકર્મા જ પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભરશે તેવી માહિતી મળી છે. બપોરે 12:30 વાગ્યાની આસપાસ જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર કમલમ ખાતે પહોંચશે. ઉલ્લેખનિય છે કે ગુજરાત ભાજપમાં અમદાવાદનો દબદબો જોવા મળશે. કારણ કે મુખ્યમંત્રી બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના છે.
જગદીશભાઇ ઇશ્વરભાઇ પંચાલ 46-નિકોલ મતવિભાગ (અમદાવાદ શહેર) વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ, 1973ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેમણે એસ.વાય.બી.એ., એમ.બી.એ. ઇન માર્કેટીંગનો અભ્યાસ કરેલો છે. તેઓ ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વાંચન-સ્વિમિંગ, બેડમિન્ટન અને સમાજ સેવાનો શોખ ધરાવે છે. રાજ્યમાં સરકાર પરીવર્તન થયા બાદ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં તેઓને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.
જગદીશ પંચાલ અમદાવાદમાં શરૂઆતથી જ ભાજપ માટે એક મોટો ચહેરો રહ્યા છે. તેઓ વર્ષ 2012માં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ વર્ષ 2017માં ફરી તેઓ નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. જગદીશ પંચાલ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. ગત વર્ષે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં તેમણે 16 સપ્ટેમ્બર, 2021થી વન અને પર્યાવરણ મંત્રી (રાજ્યકક્ષાનો હવાલો) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભાજપના કાર્યકર્તા તરીકે રાજનીતિની શરૂઆત કરનારા જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેરના સૌથી ધનિક ધારાસભ્ય પણ છે. સ્વચ્છ અને નિર્વિવાદિત છબી તેઓ ધરાવે છે. રાજ્યમાં મંત્રીઓમાં પણ ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી બાદ સૌથી નજીકના નેતા તરીકે જગદીશ વિશ્વકર્મા સ્થાન ધરાવે છે.ગુજરાતમાં સરકાર અને ભાજપ સંગઠન બન્ને પર અમદાવાદ શહેરનો દબદબો સાબિત થઇ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય છે, જ્યારે વિશ્વકર્મા પૂર્વ અમદાવાદના નિકોલના ધારાસભ્ય છે. અત્યાર સુધીમાં ભાજપે કોઇ એક જ જિલ્લા કે શહેરના નેતાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ક્યારેય એકસાથે બનાવ્યા નથી. તેથી આ કિસ્સો અપવાદરૂપ બને.
આવતા વર્ષે ગુજરાતમાં પાલિકા-પંચાયતોની ચૂંટણી યોજાઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના હોવાથી ગુજરાતમાં ઓબીસી મતોનું પ્રભત્વ જોતાં ભાજપે આ પસંદગી કરી છે. કોંગ્રેસે પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી નેતા અમિત ચાવડાની પસંદગી કર્યા બાદ ભાજપ માટે પણ ઓબીસી નેતાને મહત્ત્વ આપવું જરૂરી બન્યું છે.
ગઈકાલે 2 ઓક્ટોબરે ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થયો છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે કાર્યકરોમાં આતુરતાનો અંત આવ્યો છે. આજે ત્રણ ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે. સવારે 11 થી 2 વાગ્યા દરમિયા પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરાશે. પ્રદેશ પ્રમુખની પસંદગી પ્રક્રિયા માટે ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ જ નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરશે. આ સાથે જ ગુજરાત ભાજપને 11માં પ્રમુખ મળશે. ગુજરાત ભાજપના પ્રદેશ પરિષદના 292 સભ્ય પ્રદેશ પ્રમુખ વોટિંગથી પસંદગી કરશે. આ જ 292 સભ્ય રાષ્ટ્રીય પરિષદના 29 સભ્યોની પણ પસંદગી કરશે. ઉલ્લેખનિય છે કે, તમામ રાજ્યના રાષ્ટ્રીય પરિષદના સભ્યો રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરતા હોય છે.


