Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતદેશની સૌથી મોટી ટેક્ષટાઇલ માર્કેટ બેકારીના ખપ્પરમાં

દેશની સૌથી મોટી ટેક્ષટાઇલ માર્કેટ બેકારીના ખપ્પરમાં

17,000 વેપારી અને અંદાજે 1 લાખ લોકો બેકાર થવાનો ભય

- Advertisement -

ભારતની સૌથી મોટી ટેક્સટાઇલ માર્કેટ સુરતમાં અત્યારની કોરોના સ્થિતિને કારણે ભારે મંદીનો માહોલ છવાયેલો છે. વેપારીઓ અને ટેક્સટાઇલ માર્કેટના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે, દેશભરમાં અનેક રાજ્યોમાં લોકડાઉન છે તેમજ અન્ય નિયંત્રણો લાગેલાં છે, એને કારણે રૂ. 12,000-15,000 કરોડનાં પેમેન્ટ અટકી પડ્યાં છે. જો આવી પરિસ્થિતિ લાંબો સમય રહેશે તો માર્કેટમાં 17,000થી વધુ વેપારીઓ પોતાનો ધંધો બંધ કરી શકે છે. આ ઉપરાંત આ સેક્ટર સાથે જોડાયેલા અંદાજે 1 લાખથી વધુ લોકો પણ બેકાર બને એવો ભય છે. ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન (ફોસ્ટા)ના પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે સુરત ટેક્સટાઇલ માર્કેટનું વાર્ષિક ટર્નઓવર રૂ. 50,000 કરોડથી વધુનું છે.

- Advertisement -

માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં દરમિયાન આખા વર્ષનો 35% જેવો વેપાર થાય છે, જોકે એપ્રિલથી વેપાર પર મોટી અસર પડી. માર્કેટમાં ધંધો નથી અને સાથે જ પેમેન્ટ પણ અટકી પડ્યાં છે, જેને કારણે નાના વેપારીઓની સ્થિતિ ખરાબ છે. ફોસ્ટાના ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે સુરત ભારતનું સૌથી મોટું ટેક્સટાઇલ માર્કેટ છે. અહીંથી રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિતનાં રાજ્યોમાં માલ મોકલવામાં આવે છે. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ડિમાન્ડ સારી હતી. અમારી પેમેન્ટ-સાઇકલ સરેરાશ 100 દિવસની હોય છે, પણ દેશમાં અત્યારે જે સ્થિત છે એને કારણે જેમને માલ વેચ્યો છે તેમના ધંધા પણ ઠપ્પ છે. આને લીધે તેમના તરફથી કોઈ પેમેન્ટ આવ્યું નથી. એક અંદાજ મુજબ રૂ. 12000-15000 કરોડનાં પેમેન્ટ અટકી પડ્યાં છે અને એ ક્યારે આવશે? અથવા આવશે કે નહીં? એ હજુ નક્કી નથી.

રંગનાથ શારદાએ કહ્યું હતું, સામાન્ય સંજોગોમાં સુરતથી આ સમય દરમિયાન દૈનિક 500 ટ્રક સામાન દેશભરમાં સપ્લાઇ થતો હતો. એની સામે આ વર્ષે એપ્રિલમાં માત્ર 100 ટ્રક સામાન જ નીકળ્યો હતો અને મેમાં એ ઘટીને 80 ટ્રક પર આવી ગયો. જોકે અત્યારે તો લોકડાઉનને કારણે વેપાર સંપૂર્ણ બંધ છે. ફોસ્ટાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને એક પત્ર લખી 12 મે પછી નિયમોમાં થોડી છૂટછાટ આપવા માટે જણાવ્યું છે.

- Advertisement -

મનોજ અગ્રવાલે કહ્યું હતું કે હજુ વેપારીઓ ગત વર્ષની મંદીમાંથી પૂરી રીતે બહાર નથી આવ્યા, એમાં વળી અત્યારે ફરી મંદીનો ફટકો પડ્યો છે; એનો માર નાના વેપારીઓને સૌથી વધુ પડ્યો છે. જે વેપારીઓ પહેલાં પાંચ દુકાનમાં ધંધો કરતા હતા તેઓ હવે 2 દુકાનમાં ધંધો કરે છે. સુરતમાં 65,000-70,000 વેપારી છે. આમાંના 20-25% વેપારીઓ એવા છે, જે આ ફટકો લાંબો સમય ભોગવી શકે એમ નથી. આવા સંજોગોમાં તેઓ આ ધંધો મૂકી શકે છે. રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં અંદાજે 3.5 લાખ લોકો કામ કરે છે. આમાં કર્મચારીઓ પણ છે અને કારીગરો પણ છે. પાર્ટલી લોકડાઉન અને નિયંત્રનોને કારણે આ બધા લોકો અત્યારે કામચલાઉ રીતે તો બેકાર થઈ જ ગયા છે. જો આ સ્થિતિ લાંબી ચાલશે તો આવનારા દિવસોમાં 25-30% લોકો, એટલે કે આશરે 1 લાખ લોકો બેકાર થઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular