જાન્યુઆરી, 2023માં ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન વધીને 5.2 ટકા રહ્યું છે. જે ડિસેમ્બર, 2022માં 4.7 ટકા હતું. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ અનુસાર વીજળી, માઇનિંગ અને મેન્યુફેકચરિંગ સેક્ટરના સારા દેખાવને પગલે જાન્યુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદનના દરમાં વધારો જોવા મળ્યો છે. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનને આધારે ગણવામાં આવતું ઔદ્યોગિક ઉત્પાદન જાન્યુઆરી, 2022માં ફક્ત બે ટકા હતું. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જાન્યુઆરી, 2023માં મેન્યુફેકચરિંગ ક્ષેત્રના ઉત્પાદનમાં 3.2 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જે જાન્યુઆરી, 2022માં 1.9 ટકા હતી. જાન્યુઆરી, 2023માં માઇનિંગ સેક્ટરના ઉત્પાદનમાં 8.8 ટકાના દરે વૃદ્ધિ જોવા મળી છે. જે જાન્યુઆરી, 2022માં 3 ટકા હતી. જાન્યુઆરી, 2023માં વીજ ઉત્પાદનમાં 12.7 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
જે ડિસેમ્બર, 2022માં 0.9 ટકા હતી. જાન્યુઆરી, 2023માં કેપિટલ ગુડ્સ સેક્ટરમાં 11 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી જે જાન્યુઆરી, 2022માં 1.8 ટકા હતી. ચાલુ નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ દસ મહિના એપ્રિલથી જાન્યુઆરીમાં આઇઆઇપી 5.4 ટકા રહ્યું છે. ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં આઇઆઇપી 13ય.7 ટકા હતું.