ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે દેશમાં બાળકો માટે કોરોનાની વેક્સિનની રાહ જોવાઈ રહી છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ મંગળવારે પાર્લામેન્ટ્રી બેઠકમાં કહ્યું છે કે બાળકો માટે રસી આવતા મહિને મળી રહેશે. આ પહેલા એમ્સના ચીફ ડૉ. રણદીપ ગુલેરિયાએ બાળકોની વેક્સિનને સપ્ટેમ્બર સુધી મંજૂરી મળવાની અપેક્ષા છે તેમ જણાવ્યું હતું.
બાળકોની રસી સંદર્ભે જે માહિતી સામે આવી હતી તે મુજબ એવું કહેવામાં આવ્યું હતું કે આ રસી સપ્ટેમ્બર સુધીમાં મળી જશે, પરંતુ હવે આરોગ્ય પ્રધાનને નિવેદન આપ્યું છે કે બાળકોની રસી એક મહિના અગાઉથી એટલે કે ઓગસ્ટથી મળી જશે.
દેશમાં વિવિધ સ્તરે બાળકો પર હાલમાં રસીની ટ્રાયલ કરવામાં આવી રહી છે. ભારત બાયોટેકની કોવેક્સીનનું ટ્રાયલ પણ ચાલી રહ્યું છે, જેના અંતિમ પરિણામો ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં અપેક્ષિત છે. આ સિવાય ઝાયડસ કેડિલા દ્વારા બાળકોની રસીની ટ્રાયલ હાલમાં જ પૂર્ણ થઈ ગઈ છે, તેથી તેને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે.