લાલપુર તાલુકાના શીવપરા ગામમાં રહેતા યુવાનની માલિકીનો ટ્રક ત્રણ શખ્સોએ એક સંપ કરી બારોબાર ભંગારમાં તોડીને વેચી નાખી વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના શિવપરા (પડાણા)માં રહેતા બાલુભાઈ લમખીરભાઈ ખાંભલા નામના યુવાનની માલિકીનો જીજે-10-ડબલ્યુ-6131 નંબરનો ટ્રક નાસીરહુશેન બ્લોચે રૂા.3,75,000 માં વેચાણ કરારથી ખરીદ્યો હતો અને આ ટ્રકને આરટીઓમાં નામ ટ્રાન્સફર કરાવ્યા વગર અને બેંકમાંથી હાઇપોથીકેશન કરાવ્યા વગર તેમજ આરટીઓની મંજૂરી વગર ખંભાળિયાના ભંગારના વેપારી રસિદ ગફાર પાસતા અને જામનગરના ભંગારના વેપારી આબીદ ડાડુ ચાકી નામના બે શખ્સો સાથે મીલી ભગત કરી આ ટ્રક ભંગારમાં તોડી અને બારોબાર વેંચી નાખ્યો હતો. ત્યારબાદ આ ટ્રકના ડોકયુમેન્ટ ટ્રાન્સફર કરાવ્યા વગર બાલુભાઇ સાથે છેતરપિંડી કર્યાની જાણ થતા આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ જે.ડી. પરમાર તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.