જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક બની ગયું છે. ગઇકાલે શહેર અને જિલ્લામાં મળી નવા 36 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો 15 દર્દીઓ સાજા થઇ જતાં તેમને રજા આપવામાં આવી છે. બીજીતરફ શહેરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા સુરભિ એપાર્ટમેન્ટમાં ત્રણ પરિવારના સાત વ્યક્તિઓ કોરોનાની ઝપટે ચડી ગયા છે. મહાજન અગ્રણી સહિત આ સાતેય દર્દીઓને હાલ હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે આરોગ્ય તંત્ર દ્વારા અહીં કોરોના સંક્રમણની તપાસ શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં ગઇકાલે કોરોનાના કેસનો નવો રેકોર્ડ સર્જાયો. અત્યાર સુધીના સૌથી વધુ 1730 કેસ નોંધાયા હતાં. બીજીતરફ જામનગર શહેરમાં પણ કોરોનાનો વધતો વ્યાપ ચિંતાજનક બની રહ્યો છે. જામનગર શહેરમાં ગઇકાલે કોરોનાના નવા 23 કેસ નોંધાયા હતાં. જ્યારે 10 દર્દીઓ સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બીજીતરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમે ધીમે કોરોના પગ પસારી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે નવા 13 કેસ નોંધાયા હતાં. જે સામે પાંચ દર્દીઓને રજા આપવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સત્તાવાર રીતે કોરોનાથી કુલ 35 દર્દીઓના મૃત્યુ નોંધાઇ ચૂકયા છે.