સંસદના ગૃહોને કાગળ પર લોકશાહીનું મંદિર લેખાવવામાં આવે છે. આ મંદિરમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી દેશવાસીઓ ધમાલ જૂએ જ છે પરંતુ ગૃહમાં વર્તન અંગે આકરાં નિયમો-દંડ બાબતે જનપ્રતિનિધિઓ પુન:ર્વિચાર શા માટે કરતાં નથી ? તે પ્રશ્ર્ન લોકો વિચારી રહ્યા છે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાતી સર્વપક્ષીય બેઠકો આ સંદર્ભમાં બેમતલબ બની રહી છે. ગઇકાલે બુધવારે પણ સંસદમાં કાગળફાડ હોબાળો થયો હતો.
રાજ્યસભા અને લોકસભામાં પેગાસસ જાસૂસીકાંડ, કૃષિ કાયદા સહિત મુદ્દે વિપક્ષોનો હંગામો, નારેબાજી યથાવત છે અને સરકાર સાથે સમાધાનનો કોઈ માર્ગ ખુલ્યો નથી. બુધવારે વધુ એક ચોંકાવનારા બનાવમાં લોકસભામાં સ્પીકર તથા મંત્રીઓ પર વિપક્ષના દસેક સાંસદોએ કાગળો ફાડી ઉછાળ્યા હતા. અસંસદીય વર્તન કરનારા સાંસદો પર સરકારે સખત પગલાંનો સંકેત આપી તેમને સત્રના બાકી રહેતાં સમય માટે સસ્પેન્ડ કરવા પ્રસ્તાવની તજવીજ હાથ ધરી હતી પરંતુ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સ્પીકર સમક્ષ ખેદ વ્યક્ત કરતાં કાર્યવાહી ટળી હતી.
લોકસભામાં પ્રશ્નકાળ વખતે કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના સાંસદોએ ખૂબ હંગામો કર્યો. પ્રશ્નકાળ ચાલુ રાખવામાં આવતાં કોંગ્રેસ અને તૃણમૂલના સાંસદોએ સભાપતિ રાજેન્દ્ર અગ્રવાલ તરફ કાગળો ઉછાળ્યા હતા. છતાં કામગીરી ચાલુ રખાતાં તેમણે સત્તાપક્ષ તરફ કાગળો ફેંકવાનું શરૂ કર્યુ હતું આખરે સભાપતિએ ગૃહના કામકાજને સ્થગિત કર્યુ હતુ. સતત હંગામો છતાં લોકસભામાં પ્રશ્નકાળને પુરો ચલાવવામાં આવ્યો અને મંત્રીઓએ પૂરક સવાલોના જવાબ આપ્યા હતા. રાજ્યસભામાં પણ હંગામા વચ્ચે બે વાર કામગીરી સ્થગિત કરવામાં આવ્યા બાદ પ્રશ્નકાળ પુરો ચલાવવામાં આવ્યો હતો. મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ બાળકોની દેખરેખ અને સંરક્ષણ અંગે કિશોર ન્યાય સંશોધન ખરડો, 2021 ચર્ચા માટે રજૂ કર્યો હતો.
કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે વિપક્ષના વલણને દૂર્ભાગ્યપુર્ણ ગણાવતાં કહ્યુ કે વિપક્ષ ગૃહની મર્યાદા તોડી રહ્યો છે. સ્પીકર, મંત્રીઓ પર કાગળો ફેંકવામાં આવ્યા છે, તખ્તીઓ લહેરાવવી, પત્રકાર ગેલેરી સુધી કાગળો ફેંકવા, અધિકારીઓ જ્યાં બેઠા છે ત્યાં ચઢી જઈ દબાણ લાવવું, વિપક્ષની આવી હરકતો દુનિયાના સૌથી મોટા લોકતંત્રને શર્મસાર કરતી ઘટનાઓ છે. ઠાકુરે વિપક્ષ ચર્ચાથી ભાગતો હોવાનો આરોપ લગાવ્યો હતો.
સંસદમાં જે સાંસદો પર કાગળો ફાડી ઉછાળવાના આરોપમાં પગલાંની તજવીજ હાથ ધરાઈ હતી તેમાં મણિકમ ટૈગોર, ડીન કુરિયાકોસ, હિબી ઈડન, એસ.જયોઈમણિ, રવનીત બિટ્ટૂ, ગુરજીત ઔજલા, ટીએન પ્રતાપન, સપ્તગિરિ શંકર, એએમ આરિફ, દીપક બૈજ વગેરે સામેલ છે.
લોકશાહીનાં મંદિરમાં ધમાલ યથાવત્ !
પાછલાં કેટલાંક વર્ષોથી આપણી સંસદ તોફાની બની ગઇ છે : ગૃહમાં વર્તન અંગે નિયમો-દંડ આકરાં બનાવવાની માનસિકતા જનપ્રતિનિધિઓ ધરાવતાં નથી !