Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ઢોરાંતક : શું મેયર-ડે.મેયર-સ્ટે.ચેરમેન-કમિશનરની કોઇ જવાબદારી નથી....?

જામનગરમાં ઢોરાંતક : શું મેયર-ડે.મેયર-સ્ટે.ચેરમેન-કમિશનરની કોઇ જવાબદારી નથી….?

માત્ર ડી.એમ.સી. બલીનો બકરો શા માટે બને..?

- Advertisement -

ઢોરનગરમાં ફેરવાઇ ગયેલું જામનગર શહેર રઝળતાં ઢોરના આતંકથી ભયભીત બન્યું છે. ત્યારે સતત ભયના ઓથાર હેઠળ જીવી રહેલાં જામનગર શહેરના નિર્દોષ લોકોને ઢોરના આતંકથી મુકત કરવાની જવાબદારી શું શહેરના મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન, કમિશનરની નથી…? તાજેતરમાં શહેરના એક નિર્દોષ વૃધ્ધનો ભોગ રઝળતાં ઢોરે લીધો છે. નજીકના ભુતકાળમાં આવી શ્રેણીબધ્ધ ઘટનાઓ સામે આવી ચુકી છે. શહેરમાં આ ઘટનાને લઇને લોકોમાં રોષની લાગણી ભભુકી ઉઠી છે. તેમજ શહેરીજનો જામ્યુકો તરફ આશા ભરી નજર માંડીને બેઠા છે. ત્યારે જામ્યુકોના ટોચના પદાધિકારીઓ અને અધિકારીઓ કેમ ચુપ છે..?

- Advertisement -

સ્વભાવિક રીતે જ આટલી મોટી ઘટનાનું રિએકશન વિરોધપક્ષે આપ્યું છે. પરંતું તે પર્યાપ્ત નથી. વિરોધ પક્ષના આ વિરોધમાં ગંભીરતા ઓછી અને ઔપચારિકતા વધુ જણાઇ રહી છે. પરંતું જામનગરને ઢોરના આતંકથી મુકત કરવાની પહેલી જવાબદારી જામ્યુકોના સત્તાધીશોની બને છે. છતાં રઝળતાં ઢોર મુદ્દે સત્તાપક્ષના એકાદ કોર્પોરેટરને બાદ કરતાં લગભગ તમામ ચુપ છે. એક પણ પદાધિકારીનું આ મુદ્દે નિવેદન આવ્યું નથી કે નથી કોઇ સંવેદના દર્શાવી એટલું જ નહીં ઢોરની સમસ્યાના કાયમી અને લાંબા ગાળાના ઉકેલ માટે કોઇ તત્પરતા દર્શાવી હોય તેવું પણ ધ્યાનમાં આવ્યું નથી. છાસવારે વિકાસના ઢોર પીટતા સત્તાધિશોએ એ ન ભુલવું જોઇએ કે, શહેરમાં ઢોરની સમસ્યાનો ઉકેલ લાવી નાગરિકોના જીવ બચાવવા એ પણ એક જાતનો વિકાસ જ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જયારે જયારે જામનગર મહાપાલિકામાં નવા કમિશનર આવે છે ત્યારે તે પૈકીના મોટાં ભાગના કમિશનરો શહેરને ‘કેટલ ફ્રી’ બનાવવાની ગુલબાંગો ઝીકે છે. શરૂઆતમાં થોડો દેખાડો પણ કરે છે. 8-10 ઢોર પકડી તેની તસ્વિરો અખબારોમાં પ્રસિધ્ધ થઇ જતાં વાહવાહી મેળવી લેવામાં આવે છે. ત્યારબાદ આ સમસ્યાને ભુલી જઇ અથવાતો કોરાણે મુકી દઇ નાગરિકોને ઢોર ભરોસે છોડી દેવામાં આવે છે. જે ભુતકાળમાં અનેક વખત સાબિત થઇ ચુકયું છે. હાલના મ્યુ.કમિશનર વિજય ખરાડી અનેક બાબતોમાં ઉત્સાહી જણાઇ રહ્યા છે. અવાર નવાર આપણે તેમની સ્થળ મુલાકાત લેતાં પણ જોયા છે. પણ શું કયારેય તેમણે ઢોરના ત્રાસ અંગે સમિક્ષા કરી છે ખરી..? માર્ગો પર ઢોરના અંડિગા નજરે નિહાળ્યા છે…? વાહનચાલકોને ઢીકે ચડતાં જોયા છે…? જે લોકો ઢોરના ત્રાસનો ભોગ બન્યા છે તેમની અને તેમના પરીજનોની હાલતથી તેઓ વાકેફ છે ખરા…? મ્યુ.કમિશનર મહાપાલિકાના સર્વોચ્ચ વહિવટી વડા છે. બીપીએમસી એકટમાં કમિશનરને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. કેટલીક બાબતોમાં કાર્યવાહી કરતા કે પગલાં લેતા તેમને સત્તાપક્ષ પણ અટકાવી શકતો નથી. (જો ઇચ્છાશકિત હોય તો) ત્યારે શહેરમા ઢોરની સમસ્યા ઉકેલવા માટે કમિશનર કોની રાહ જોઇ રહ્યા છે. તેમની પાસે શું યોજના છે..? શું માસ્ટર પ્લાન છે..? તાજેતરની ઘટના બાદ આ અંગે તેમણે કોઇ યોજના બનાવી છે..? જો બનાવી હોય તો લોક હિતાર્થે જાહેર કરવી જોઇએ જેથી પ્રજાને હૈયે થોડી ધરપત રહે. પરંતું નથી લાગતું કે આવુ કઇ થયું હોય.

- Advertisement -

આવી જ સ્થિતિમાં જામ્યુકોના પદાધિકારીઓ પણ છે. મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન સહિતના પદાધિકારીઓએ દુર્ધટના અંગે કોઇ સંવેદના કે અફસોષ પણ દર્શાવ્યો નથી. એકટીવ થઇને કોઇ કાર્યવાહી કરી હોય તેવું પણ જણાયું નથી. શું આ મુદ્દે તાત્કાલીત બેઠક યોજીને કોઇ એકશન પ્લાન ન બનાવી શકાય..? અરે…જો દાનત જ હોય…તો…જામનગર મહાપાલિકાની રિક્વિઝેશન (ખાસ સામાન્ય સભા) બેઠક યોજીને પણ સહયારો નિર્ણય લઇ શકાય.એવું જરૂરી નથી કે, રિક્વિઝેશન બેઠક માત્ર વિપક્ષ જ બોલાવી શકે. સત્તાપક્ષના સભ્યો પણ કોઇ ગંભીર મુદ્દે રિક્વિઝેશન બેઠકની માંગણી કરી શકે છે. પરંતું બહુમતી ધરાવતા સભ્યો પણ ચુપચાપ બેઠાં છે. શું અનંતકાળ સુધી સત્તાપક્ષે આ તમાસો જોયા જ રાખવાનો છે…? ઇતિહાસમાં દાખલો બેસાડતી કામગીરી કરવા માટે સક્ષમ નથી..? સમય આવી ગયો છે જાગવાનો અન્યથા ભવિષ્યમાં વકરનારી આ સમસ્યાને લઇને ભાવી પેઢી આપને કયારેય માફ નહી કરે…

છેલ્લે એક વાત જણાવી દઇએ કે, ઢોરની સમસ્યા દુર કરવી એ ડે.કમિશનરની જવાબદારી અને ફરજનો એક ભાગ છે. પરંતું આ સમસ્યા માટે તેઓ એક માત્ર જવાબદાર નથી. આ ઘટના બાદ દોષનો તમામ ટોપલો ડી.એમ.સી. પર ઢોળી તેમને બલીનો બકરો બનાવી અન્ય પદાધિકારીઓ અને તેમનાથી પણ ઉચ્ચ અધિકારી જવાબદારીમાંથી હાથ ખંખેરી લેવાનો આબાદ છટકી જવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું જણાઇ રહ્યું છે. અહીં ડી.એમ.સી.ને છાવરવાનો કે તેમને બચાવવાનો અમારો કોઇ ઇરાદો નથી. પણ વાસ્તવિકતા સામે લાવી પણ એટલી જ જરૂરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular