ગુજરાત સહીત દેશભરમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી એક સપ્તાહ સુધી કોરોનાના કેસોમાં વધારો થશે. ત્યારબાદ કેસ ઘટશે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પણ કોરોનાના સૌથી વધુ 1790 કેસ નોંધાતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
સીએમ રૂપાણીએ કહ્યું કે, આખા દેશમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યુ છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યમાં મૃત્યુઆંક ઓછો છે. હાલ 70 ટકા બેડ ખાલી છે. હજુ એક અઠવાડિયું કેસ વધશે બાદમાં ઘટશે. વિધાનસભાના સત્રને ટુંકાવવાને લઇને તેઓએ જણાવ્યું હતું કે હાલ સત્ર ટુંકાવવાની કોઈ વાત નથી. તેમણે વધુમાં કહ્યું કે, અમારી ધારણા છે કે, હજી એક અઠવાડિયા કેસ વધશે, પછી ડાઈનબ્રેક આવશે. પણ કોરોના અનપ્રિડીક્ટેબલ છે. ધનવંતરી અને સંજીવની રથો ચાલે છે. જેમ જરૂર પડે તેમ નિર્ણય કરીએ છીએ. રોજેના ત્રણ લાખ લોકોનું વેક્સીનેશન કરવામાં આવે તે પ્રકારે સરકાર આગળ વધી રહી છે. સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતના ચાર મહાનગરોમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે વેક્સીનેશનની પ્રક્રિયા પણ પુર જોશમાં ચાલી રહી છે.
અને ઉલ્લેખનીય છે કે બુધવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1790 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. ત્યારે ગુજરાતમાં આગામી એક સપ્તાહ સુધી કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળશે. બાદમાં કેસમાં ઘટાડો જોવા મળશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.