જામનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે શિયાળાનો અસલી રંગ દેખાયો હતો અને શિત લહેરો તથા ઝાકળ વચ્ચે તાપમાન 2 થી 5 ડિગ્રી ગગડતા લોકોએ કડકડતી ઠંડી અનુભવી હતી. ખાસ કરીને રાજકોટ શહેરમાં ડિસેમ્બર માસ ગરમ રહ્યા બાદ આજે ચાલુ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. આજે સવારે ઝાકળ અને 6 કિ.મી.ની ઝડપે બર્ફીલા પવન વચ્ચે લઘુતમ તાપમાન સિંગલ ડિઝીટમાં 9.4 ડિગ્રી નોંધાતા નગરજનો ધ્રુજી ગયા હતા. ઉલ્લેખનીય છે કે આજે રાજયની સૌથી વધુ ઠંડી નલિયા ખાતે 7 ડિગ્રી નોંધાઇ હતી. આમ આજે રાજયમાં સૌથી વધુ ઠંડા શહેરો રાજકોટ અને નલિયા રહ્યા હતા. આ બંને શહેરોમાં આજે સવારે હવામાં ભેજ પણ 92 ટકા રહેતા સવારે ધુમ્મસ છવાયુ હતું. આજે અનેક સ્થળે ઝાકળ અને ઠંડા પવન વચ્ચે તીવ્ર ઠંડી અનુભવાતા લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા નજરે પડયા હતા. તો ઠેર ઠેર તાપણા પણ નજરે પડયા હતા.
જામનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ પછી ઠંડીની માત્રામાં એકાએક વધારો થયો છે. પોષ મહિનામાં હવે કાતિલ ઠંડી પડવાનું શરૂ થયું હોય તેમ આજે લઘુતમ. 12 ડિગ્રી નોંધાયું હતું.અને મહતમમા આંશિક ડિગ્રીમાં ઘટાડો થતા સતત બીજા દિવસે સર્વત્ર ઠંડીની લહેર છવાઈ છે. આ સાથે પવનની ગતિ વધુ તેજ બનીને પ્રતિકલાક 7.2 કિમિ પહોંચી હતી. જેને લીધે શહેરીજનો ઠુઠવાયા હતાં.
મોડી રાત્રથી સવારે 8 વાગ્યા સુધી રોડ રસ્તાઓ ઉપર લોકોની અવર જવર પાંખી જોવા મળી હતી. સવારે હવામાં ભેજનું પ્રમાણ વધીને 76 ટકા પહોંચતા શહેરમાં ઝાકળ રહી હતી. જ્યારે સૌથી ઠંડા શહેર જામનગર, બન્યું હતું ઠંડીમાં વધારા સાથે સુસવાટા મારતા પવનથી જનજીવન પ્રભાવિત થયું હતું. લોકોએ જામ વગર ઘર બહાર નીકળવાનું ટાળ્યું હતું. આ ઉપરાંત આજે જુનાગઢવાસીઓ પણ 10.7 ડિગ્રી સાથે ધ્રૂજ્યા હતા ખાસ કરીને જુનાગઢનાં ગિરનાર પર્વત ઉપર 5.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા સહેલાણીઓ ઠુંઠવાયા હતા. જયારે ભુજ અને પોરબંદર ખાતે પણ તીવ્ર ઠંડી અનુભવાઇ હતી. પોરબંદરમાં સવારે 11.4 અને ભુજમાં પણ 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.


