જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં એક સપ્તાહથી મેઘાવી માહોલ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડી ગયો છે અને હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકના સમયમાં જોડિયામાં સાડા સાત ઈંચ, જામનગર શહેરમાં અઢી ઈંચ, ધ્રોલમાં સવા બે ઈંચ, લાલપુરમાં અડધો ઈંચ અને જામજોધપુરમાં સામાન્ય ઝાપટું પડયું હતું.
ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડયો હતો અને હાલ પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. જામનગર શહેર-જિલ્લામાં 25 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં 24 કલાકથી વરસાદી માહોલ યથાવત રહેતાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન જોડિયામાં સાડા સાત ઈંચ વરસાદ પડયો છે. જ્યારે જામનગર શહેરમાં અઢી ઈંચ પાણી વરસ્યું હતું તેમાં પણ શુક્રવાર વહેલીસવારે 4થી 6 વાગ્યા સુધીના સમયમાં બે ઈંચ પાણી વરસી ગયું હતું અને ધ્રોલમાં બે ઈંચ તેમજ લાલપુરમાં વધુ અડધો ઈંચ તથા જામજોધપુરમાં સામાન્ય ઝાપટું પડયાના અહેવાલ છે.
જ્યારે પીએચસી સેન્ટરના આંકડા મુજબ લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં વધુ ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જામનગરના મોટી બાણુંગારમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકયો હતો અને જામવણથલી તથા ધ્રોલના જાલિયાદેવાણીમાં બે-બે ઇંચ પાણી વરસ્યું છે. જ્યારે લાલપુરના પીપરટોડા, જામનગરના ધુતારપુર, ફલ્લામાં પોણા બે-પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો અને જામનગર તાલુકાના વસઈ, અલિયાબાડા, ધ્રોલના લતીપુરમાં સવા-સવા ઈંચ પાણી પડયું છે તથા લાખાબાવળમાં એક ઈંચ અને દરેડ, હડિયાણા, સમાણા, મોડપર, ખરેડી, ભ.બેરાજા, પડાણામાં અડધો-અડધો ઈંચ ઝાપટાં રૂપે વરસ્યો હતો તથા નિકાવા, મોટાવડાળા, શેઠવડાળા, ડબાસંગ અને ભણગોરમાં સામાન્ય ઝાપટાં પડયાના અહેવાલ છે.
જામનગર શહેરમાં વહેલીસવારે બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો
લાલપુરના મોટા ખડબામાં વધુ ચાર ઈંચ વરસાદ : આજે સવારે છ વાગ્યા સુધીના 24 કલાકમાં જોડિયામાં સાડા સાત ઈંચ: જામનગરમાં અઢી ઈંચ અને ધ્રોલમાં બે ઈંચ : મોટીબાણુગારમાં ત્રણ ઈંચ