ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પર્સનલ આસિસ્ટન્ટ એટલે કે પીએ ધ્રુમિલ પટેલને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. સચિવાલયમાં એવું ચર્ચાઇ રહ્યું છે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી પગલાં લેવાની સૂચના પછી આ કાર્યવાહી કરવામાં આવી છે.
ધ્રુમિલ પટેલ માટે એવી બાતમી હોવાની શંકા છે કે તેઓ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આપવામાં શંકાસ્પદ ભૂમિકા ભજવી રહ્યાં છે. રાજ્ય સરકારે પણ કેટલીક બાબતોમાં તેમની ફરજ દરમ્યાન ગંભીર નોંધ લીધી છે. સૂત્રો કહે છે કે આજે સ્વર્ણિમ સંકુલના ત્રીજા માળે આવેલા સીએમ કાર્યાલયમાં તેમનો છેલ્લો દિવસ હતો.
તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર પછી રાજ્યમાં જ્યારે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે મુખ્યમંત્રી કાર્યાલયમાં ધ્રુમિલ પટેલની નિયુક્તિ પર્સનલ આસિસ્ટન્ટ તરીકે થઇ હતી.
ખનીય છે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં સરકારી અને અંગત સ્ટાફ એમ બે પ્રકારની નિમણૂકો કરવામાં આવતી હોય છે. પ્રત્યેક સીએમ તેમની પસંદગીના સરકારી અધિકારીઓ તેમજ કર્મચારી પસંદ કરતા હોય છે તેવી જ રીતે અંગત સ્ટાફમાં પણ તેમના જ નજીકના વિશ્વાસુ લોકોને સમાવતા હોય છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી બન્યા પછી ધ્રુમિલ પટેલને અંગત મદદનીશની કામગીરી સોંપી હતી અને ત્યારબાદ જીએડી દ્વારા તેમના નામનો ઓર્ડર થયો હતો.