જામનગર મહાપાલિકામાં બે અધિકારીઓ વચ્ચે ભ્રષ્ટાચારને લઇને ચાલતો વિવાદ ઠારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મ્યુ.કમિશનરે બંન્ને અધિકારીઓ પાસેથી ટેકસ વિભાગનો ચાર્જ આંચકી લઇ અન્ય અધિકારીઓને સોંપ્યો છે. આમ આ વિવાદને ટાઢો પાડવાનો પ્રયાસ કરાયો છે.
છેલ્લા કેટલાંક સમયથી ટેકસ વિભાગના આસી.કમિશનરે જીગ્નેશ નિર્મલ અને ટેકસ અધિકારી જી.જે.નંદાણીયા વચ્ચે ભ્રષ્ટાચારના આક્ષેપોને લઇને ગજગ્રાહ ચાલી રહ્યો છે. આસી.ટેેકસ કમિશનરે નંદાણીયા વિરૂધ્ધ ટેકસની આકરણીમાં ગેરરીતી અને ભ્રષ્ટાચાર આચરવા અંગેના બે રિપોર્ટસ કમિશનરને કરવામાં આવ્યા છે. આ રિપોર્ટસએ કોર્પોરેશનમાં ભારે ચકચાર જગાવી છે. જોકે, હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. દરમ્યાન આ વિવાદને ઠારવા માટે મ્યુ.કમિશનર વિજય કુમાર ખરાડીએ જીગ્નેશ નિર્મલ પાસેથી આસી.કમિશનર ટેકસનો ચાર્જ આંચકી લીધો છે અને આ ચાર્જ આસી.કમિશનર વહિવટ ડાંગરને સોંપવામાં આવ્યો છે.
બીજી તરફ ટેકસ અધિકારી જી.જે.નંદાણીયા પાસેથી પણ હાઉસટેકસ અને વ્યવસાય વેરાનો ચાર્જ લઇ લેવામાં આવ્યો છે. તેમની આ કામગીરી નાયબ ઇજનેર મુકેશ ચાવડાને સોંપવામાં આવી છે. નંદાણીયા હવે સામાન્ય વહિવટ વિભાગમાં ઓએસ તરીકે કાર્ય કરશે. આમ હાલ તુર્ત બંન્ને અધિકારીઓની હાઉસટેકસના ચાર્જમાંથી મુકત કરવામાં આવ્યા છે અને લાંબા સમયથી ચાલતાં વિવાદ પર ઠંડું પાણી રેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું જણાય રહ્યું છે.
નિર્મલ-નંદાણીયા પાસેથી ટેકસ વિભાગનો ચાર્જ લઇ લેવાયો
લાંબા સમયથી બંન્ને અધિકારીઓ વચ્ચે ચાલતાં ગજગ્રાહને ઠંડો પાડવાનો પ્રયાસ