વડાપ્રધાન મોદી એ કોરોનાકાળમાં આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું કે ઘાતકી કોરોનાની બીજી લહેરમાં ભારતવાસીઓની લડાઈ ચાલુ છે. વિશ્વના અન્ય દેશોની જેમ ભારત પણ મોટી પીડાથી લડી રહ્યો છે. આપણામાંથી કેટલાય લોકોએ પોતાના પરિવારજનો પરિચિતોને ગુમાવ્યા છે. આ પરિવારો સાથે મારી પૂરી સંવેદના છે. છેલ્લા 100 વર્ષમાં આવેલી આ સૌથી મોટી મહામારી છે. પીએમ મોદીએ સંબધોનમાં જણાવ્યું કે કોરોનાને ભારતને ઘેરી લીધું હતું, પરંતુ આપણા વૈજ્ઞાનિકોએ એક વર્ષમાં બે રસી બનાવી અને આજે દેશમાં રસીકરણ થયું છે.
આ સંબોધનમાં તેમણે બે મોટી જાહેરાત કરી છે. પ્રથમ તમામ રાજ્યોને હવે કેન્દ્ર તરફથી ફ્રી વેક્સિન આપવામાં આવશે. રાજ્યોએ હવે આ માટે કોઈ જ ખર્ચ કરવો પડશે નહિ. બીજી મહત્વની જાહેરાત એ કરાઈ કે દેશના 80 કરોડ ગરીબ લોકોને નવેમ્બર સુધી એટલે કે દિવાળી સુધી ફ્રીમાં રેશન આપવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે , રાજ્યો પાસેથી વેક્સિનેશનનું કામ પાછું લેવામાં આવશે અને હવે કેન્દ્ર સરકાર જ આ કામ કરશે. દેશની કોઇપણ રાજ્ય સરકારને વેક્સિન પાછળ કોઇ ખર્ચ કરવો પડશે નહીં. અત્યાર સુધી દેશના કરોડો લોકોને મફત વેક્સિન મળી છે, હવે 18 વર્ષથી ઉંમરના લોકો પણ આની સાથે જોડાઇ જશે. તમામ દેશવાસીઓને ભારત સરકાર મફત વેક્સિન ઉપલબ્ધ કરાવશે. દેશમાં બની રહેલી વેક્સિનમાંથી 25 ટકા, પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલો સીધી લઇ શકે, તે વ્યવસ્થા ચાલુ રહેશે. પ્રાઇવેટ હોસ્પિટલ, વેક્સિનની નક્કી કિંમત ઉપરાંત એક ડોઝ પર વધુમાં વધુ 150 રૂપિયા જ સર્વિસ ચાર્જ લઇ શકશે. જેની દેખરેખનું કામ રાજ્ય સરકારનું જ રહેશે. દેશમાં 7 કંપનીઓ વેક્સિનનું પ્રોડક્શન કરી રહી છે. ત્રણ વેક્સિનની ટ્રાયલ એડવાન્સ સ્ટેજમાં ચાલી રહી છે. બીજા દેશોમાંથી પણ વેક્સિન ખરીદવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. બાળકોને લઇને પણ બે વેક્સિનનું ટ્રાયલ ઝડપથી ચાલી રહ્યું છે. દેશમાં નેઝલ વેક્સિન પર પણ રિસર્ચ કરાઇ રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક જાહેરાત કરી છે. હવે નવેમ્બર, 2021 સુધી દેશના 80 કરોડ લોકોને મફ્ત રાશન આપવામાં આવશે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે પણ આવી જ સ્કીમ ચલાવી હતી. પીએમ મોદીએ કહ્યું કે, કોરોનાની બીજી લહેર વચ્ચે ફરી સંકટ થયો છે, આવામાં હવે સરકાર ફરી આ સ્કીમ લાવી રહી છે.
18 વર્ષ થી ઉપરના લોકોને કેન્દ્ર સરકાર વિનામૂલ્યે કોરોના વેક્સિન આપશે
80 કરોડ ગરીબોને દિવાળી સુધી મફત અનાજ અપાશે