સૌરાષ્ટ્ર અને હાલાર વિસ્તારના રેલવેના પ્રશ્ર્નો અને રેલવે સુવિધાઓમાં વધારો કરવા સાંસદ પૂનમબેન માડમ સતત જાગૃત રહી ખાસ રજૂઆતો કરતાં રહ્યાં છે. સાંસદ પૂનમબેન માડમના પ્રયાસો અને અસરકારક રજૂઆતના લીધે રાજકોટ-કાનાલુસ સેકશનની ડબલીંગ રેલવે લાઇનનું કામ અગાઉના વર્ષોમાં બજેટમાં મંજૂર કરવામાં આવેલ. રેલવે વિભાગની યોજાયેલ વર્ચ્યુલ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ જોડાયા હતાં. આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ આ બેઠકમાં રાજકોટ-કાનાલુસ સેકશનની 111 કિ.મી. લાંબી રૂા. 1080 કરોડના ખર્ચે નિર્માણ થનાર રેલવે લાઇનની ડબલીંગની મંજૂરી આપી છે.
રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ દ્વારા થયેલ જાહેરાત મુજબ રાજકોટથી કાનાલુસ સેકશનની 111 કિ.મી. લાંબી રેલવે લાઇનને ડબલીંગ કરવાની મંજૂરી આપી આ કામ માટે રૂા. 1080 કરોડ રકમની ફાળવણી કરાયેલ છે. આ રેલવે લાઇન ડબલીંગ થતાં પોરબંદર-કાનાલુસ, વિન્ડમીલ, સિક્કા વગેરે વિસ્તારના લોકોને મુસાફરી, પ્રવાસન, માલ-સામાન જેવા કે કોલસો, સિમેન્ટ, ખાતર અને ખાદ્યપદાર્થ જેવા માલમના પરિવહનમાં ખૂબ ફાયદાકારક પુરવા થશે અને સીધી રોજગારીનું સર્જન થશે જેના લીધે સૌરાષ્ટ્ર અને હાલાર ક્ષેત્રના સાર્વત્રિક વિકાસને વેગ મળશે. આ લાઇન ડબલીંગ થવાથી માલ અને પેસેન્જર એમ બન્નેના રોકાણમાં નોંધપાત્ર ઘટાડો થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ન્યુ ઇન્ડીયાના દ્રષ્ટિકોણને અનુરુપ આ પ્રોજેકટ ઓપરેશન અને ભીડને સરળ કરવા તરફ જઇ રહ્યો છે. જેનાથી ભારતીય રેલવેના ખૂબ જ વ્યસ્ત સેકશનમાં આવશ્યક મૂળભૂત માળખાકીય વિકાસ થઇ શકશે. સૌરાષ્ટ્ર અને હાલાર વિસ્તારમાં રેલવે સુવિધાઓ અપગ્રેડ કરવા અને વધારો કરવા માટે સાંસદ પૂનમબેન માડમએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરેલ છે. સાથોસાથ રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ તથા રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશનો આભાર વ્યક્ત કરેલ હતો.
કેન્દ્ર સરકારે રાજકોટ-કાનાલુસ સેકશનની 111 કિ.મી. લાંબી રેલવે લાઇનની ડબલીંગની મંજૂરી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર માનતા સાંસદ પૂનમબેન માડમ