વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટ કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ. આ બેઠકમાં ન્યાય અને શિક્ષણથી લઇ બે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. ઉપરાંત બીજા પણ અનેક મહત્વપૂર્ણ મુદ્દા પર વાત થઈ છે. મીટિંગ પછી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફ્રન્સ કરી આ નિર્ણય અંગે જણાવ્યું.
મીડિયા બ્રીફિંગ દરમિયાન કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી અન્નપૂર્ણ દેવી અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી એલ મુરુગન પણ હાજર હતા.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે મહિલાઓ અને બાળકો સાથે સજાતીય અપરાધ થવા પર ન્યાય માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચનાને મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરી દુષ્કર્મના કેસમાં પીડિતાઓને ત્વરિત ન્યાય મળશે. તેમણે જણાવ્યું કે દેશમાં અંદાજે 1023 ફાસ્ટ ટ્રેક કોર્ટ છે, જે નિયમિત ચાલતી રહેશે. તેમા 389 પોક્સો કોર્ટ છે, જે પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા કેસોની સુનાવણી કરે છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે 2019માં આ યોજનાને લોન્ચ કરવામાં આવી હતી. આજની મીટિંગમાં લીધેલા નિર્ણય મુજબ 31 માર્ચ 2023 સુધી તેના પર સતત કામ કરવામાં આવશે. આ યોજનામાં કુલ 1572.86 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેમા કેન્દ્ર સરકારની ભાગીદારી 971.70 કરોડ રૂપિયા થશે, જ્યારે બાકીના 601.16 કરોડ રાજ્ય સરકાર ખર્ચ કરશે.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે કેબિનેટ દ્વારા 2.94 લાખ કરોડ રૂપિયાની સમગ્ર શિક્ષણ-2 યોજનાને મંજૂરી આપવામાં આવી છે. તેના હેઠળ શિક્ષણમાં અભિનવ પ્રયોગોને સામેલ કરવામાં આવશે. આગામી સમયમાં ખૂબ નાના બાળકો માટે સરકારી શાળામાં પણ પ્લે સ્કૂલ શરૂ કરવાની વાત પણ કહેવામાં આવી છે. તેમા 3 વર્ષની ઉંમરથી જ બાળકોને રમત-રમતમાં ભણાવવામાં આવશે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વધુમાં જણાવ્યું કે નવી શિક્ષણ નીતિ પર અભ્યાસ અને કમાણી પર ભાર આપવામાં આવ્યું છે. તેના માટે વોકેશનલ એજ્યુકેશન પર સરકાર ફોકસ કરશે. સમગ્ર શિક્ષણ હેઠળ 6થી લઇ 12માની પરીક્ષા સુધી તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
તેમણે જણાવ્યું કે શરૂઆતના ત્રણ વર્ષ એટલે 6ઠ્ઠી, 7મી અને 8માં એક્સપોઝર વધારવામાં આવશે. જ્યારે પછીના ચાર વર્ષમાં એટલે કે 9, 10, 11 અને 12માં સમય અને બજારની જરૂરિયાત મુજબ સ્કિલ ડેવલોપ કરવામાં આવશે. તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સોફ્ટવેર કોડિંગ, વર્ચ્યુઅલ રિયાલિટી જેવા વિષયોનો સમાવેશ થશે.