જામનગર તાલુકાના આમરા ગામના કરાર વિસ્તારમાં આવેલા યુવાનના ખેતરમાં તેના ગામમાં રહેતા તેના સગાભાઈ અને તેના પુત્ર એ પ્રવેશ કરી રૂા.1.20 લાખની કિંમતના 125 મણ એરંડાના પાકમાં આગ લગાડી નુકસાન પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી પિતા-પુત્રની શોધખોળ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના આમરા ગામમાં હનુમાનજી મંદિર પાસે રહેતાં દિનેશભાઈ માધવજીભાઈ મઘોડિયા નામના યુવાનના કરાર વિસ્તારમાં આવેલા ખેતરમાં શનિવારે સવારના 5:30 વાગ્યાના અરસામાં તેના જ ગામમાં રહેતા તેના સગા ભાઈ વિરજી માધવજી મઘોડિયા અને ભત્રીજો મનિષ વિરજી મઘોડિયા નામના બંને પિતા-પુત્રએ ખેતરમાં રાખેલા રૂા.1,20,000 ની કિંમતના 125 મણ એરંડાના પાકમાં આગ લગાડી સળગાવી નાખ્યો હતો. ભાઈ અને ભત્રીજા દ્વારા કરાયેલા હિંચકારા કૃત્યની જાણ થતા દિનેશભાઈએ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે હેકો જે.જી.રાણા તથા સ્ટાફે યુવાનના નિવેદનના આધારે તેના જ સગા ભાઈ અને ભત્રીજા વિરૂધ્ધ પાક સળગાવી નાખ્યાનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.