ધ્રોલ ગામમાં એક જ દિવસમાં થયેલા બે સ્થળે ઘરફોડ ચોરીના બનાવથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ચાર ચોક પાસે રહેણાંક મકાનમાં રૂા.1.30 લાખની માલમતા સાથેની લોખંડની ટંક ચોરીમાં ધ્રોલ પોલીસે ત્રણ મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી ચોરાઉ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામમાં એક જ દિવસમાં બે સ્થળોએ થયેલી ચોરીના બનાવમાં પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. દરમિયાન હેકો કલ્પેશ કામરીયા, પો.કો. વનરાજભાઈ ગઢાદરાને મળેલી સંયુકત બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી.પી. વાઘેલા અને પીઆઈ એમ. બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.જી.પનારા, એએસઆઈ વી.ડી.રાવલિયા, હેકો કલ્પેશભાઈ કામરીયા, કલ્પેશભાઈ દલસાણિયા, અર્જુનસિંહ જાડેજા, પો.કો. વનરાજભાઈ ગઢાદરા, સંજયભાઈ સોલંકી, મયુરસિંહ પરમાર, જયેશભાઈ પઢેરીયા, મહાવીરસિંહ જાડેજા, મહિલા પો.કો. અંજલીબેન શિયાર, સંગીતાબેન બાલસરા સહિતના સ્ટાફે વોચ ગોઠવી ધ્રોલમાંથી દેવીપૂજક શખ્સ સહિત ત્રણ મહિલાઓને આંતરી લીધા હતાં.
પોલીસે જીવણ અમરશી વાઘેલા, ધનીબેન જીવણ વાઘેલા, રમાબેન ઉર્ફે કાજલ રાજુ વાઘેલા, અમૃતબેન લાખા જખાણીયા સહિતના ચાર શખ્સો પાસેથી લોખંડના પતરાની ટંક અને રૂા.60,000 ની રોકડ રકમ અને બેંક ઓફ બરોડાની નામ નિશાન વાળુ રૂા.70,000 ની કિંમતની 20 ગ્રામનું સોનાનું બિસ્કીટ તથા ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ સ્ક્રુડ્રાઈવર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ચાર ચોકમાં વસંતભાઇ કણજારીયાના મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.