જામનગર શહેરના બ્રાસપાર્ટના કારખાનામાંથી થયેલી ચોરીમાં સંડોવાયેલી તસ્કર ટોળકીને સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે ગોકુલનગર સાંઢીયા પુલ પાસેથી દબોચી લઇ રૂા.2,67,500નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલા બ્રાસપાર્ટના કારખાનામાંથી થયેલ પિતળના સામાન અને સળિયાની ચોરીમાં સંડોવાયેલ તસ્કર અંગે હેકો જાવેદ વજગોળ, નારણ સદાદીયા, પો.કો. હોમદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ.આર.ચૌધરી, પીએસઆઈ વી.બી.બરસબીયા, હેકો ફૈઝલભાઇ ચાવડા, જાવેદભાઈ વજગોળ, યશપાલસિંહ જાડેજા, એન.બી. સદાદીયા, પો.કો. હર્ષદભાઈ પરમાર, ખીમશીભાઈ ડાંગર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી ગોકુલનગર સાંઢીયા પુલ પાસેથી બાતમી મુજબની જીજે-10-ટીઝેડ-0491 નંબરની સીએનજી રીક્ષાને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.32,900 ની કિંમતના પીતળના 70 કિલો સળિયા અને રૂા.84,600 ની કિંમતના 180 કિલો પીતળનો સામાન મળી આવ્યો હતો.
જેના આધારે પોલીસે મુકેશ ઉર્ફે મુકલો કારા રાઠોડ, વિક્રમ હરદાસ પરમાર, ઘનશ્યામ રમણિક મકવાણા અને એક સગીર સહિત ચાર શખ્સોને ઝડપી લઇ રૂા.2,67,500નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.