ધ્રોલ-જામનગર ધોરીમાર્ગ પર આવેલી હોટલે ચા-પાણી પીવા ઉભા રહેલા કોન્ટ્રાક્ટર યુવકને ત્રણ શખ્સોએ આવીને, “કારના હપ્તા ચઢી ગયા છે.” એમ કહીને કાર બળજબરીપૂર્વક લઇ જઇ યુવકને જાતિ પ્રત્યે અપમાનિત કરી ઢીકાપાટુનો માર માર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ મોરબીમાં આંબેડકર કોલોની વિસ્તારમાં રોહીદાસપરામાં વસવાટ કરતો કોન્ટ્રાકટર રવિભાઇ ઉર્ફે કારો મનુભાઇ સારેસા (ઉ.વ.20) નામનો યુવક સોમવારે અન્ય લોકો સાથે તેના પિતાના નામે રહેલી જીજે36 એસી 4610 નંબરની સ્વિફ્ટ કાર લઇને મોરબીથી જામનગર આવતો હતો. દરમ્યાન ધ્રોલથી દોઢ કિલોમીટર દૂર જામનગર ધોરીમાર્ગ પર રાધેશ્યામ હોટલ પર ચા-પાણી પીવા ઉભા હતા. તે દરમ્યાન લાલભા, સુખુભા અને અજાણ્યા સહિતના ત્રણ શખ્સો રવિ પાસે આવ્યા હતા. અને, “અમો ફાઇનાન્સ કંપનીના સીઝર છીએ.” તેમ કહી, ‘ગાડીના હપ્તા ચઢી ગયા છે. તેથી ગાડી લઇ જવી છે.’ તેમ કહી બળજબરીપૂર્વક કાર લઇ ગયા હતા. ત્રણેય શખ્સોએ રવિને જાતિ પ્રત્યે અપમાનિત કરી, ગાળો કાઢી ઢીકાપાટુનો માર માર્યો હતો.
ત્યારબાદ આ બનાવ અંગેની રવિભાઇ દ્વારા જાણ કરાતા એસસી-એસટી સેલના ડીવાયએસપી તથા સ્ટાફ દ્વારા રવિના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂઘ્ધ એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.


