ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર મંગળવારે સાંજના સમયે મોટરસાયકલ પર જઈ રહેલા એક વૃદ્ધને અલ્ટો કારના ચાલકે હડફેટે લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતનો આ બનાવ હિટ એન્ડ રનનો બની રહ્યો હતો.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના કોલવા ગામે રહેતા કાનાભાઈ દેવાણંદભાઈ નંદાણીયા નામના આહિર વૃદ્ધ મંગળવાર તારીખ 7 ના રોજ સાંજના સમયે અત્રેથી આશરે 8 કિલોમીટર દૂર કંડોરણા ગામના પાટીયા પાસેથી પોતાના જીજે-37-કે-4113 નંબરના મોટરસાયકલ લઈને પેટ્રોલ ભરાવવા ગયા હતા. તે દરમિયાન રસ્તો ક્રોસ કરતી વખતે આ માર્ગ પરથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી જીજે-10 ડી.એ. 3128 નંબરના એક અલ્ટો મોટરકારના ચાલકે કાનાભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં બાઈક ચાલક કાનાભાઈને ફ્રેકચર સહિતની ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જીને આરોપી કાર ચાલક નાસી છૂટ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર ગોવિંદભાઈ કાનાભાઈ નંદાણીયાની ફરિયાદ ખંભાળિયા પોલીસે અલ્ટો કારના ચાલક સામે આઈપીસી કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.