જામનગર શહેર નજીક ઠેબા ચોકડીથી ખીજડિયા ચોકડી તરફ આવી રહેલી ઈનોવા કારનું ટાયર ફાટતા ચાલક યુવાને કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ જતાં રોડ પરથી પસાર થતા અજાણ્યા વ્યક્તિને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચવાથી મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેર નજીક ઠેબા ચોકડીથી ખીજડિયા ચોકડી તરફના માર્ગ પર ગત મધ્યરાત્રિના સમયે પૂરઝડપે આવી રહેલી જીજે-10-સીએન-5036 નંબરની ઈનોવા કારનું ટાયર એકાએક ફાટી જતા ચાલક ગૌરવભાઈ એ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રોડ પરથી પસાર થતા અજાણ્યા વ્યકિતને હડફેટે લઇ પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં અજાણ્યા વ્યક્તિને શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે કારચાલક અને કારમાં બેસેલ વિદ્યાર્થીને મુંઢ ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થી વિવેક કવાડ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી અજાણ્યા યુવાનનો મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે ઈજાગ્રસ્તના નિવેદનના આધારે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.