Sunday, December 29, 2024
Homeરાજ્યકરાણામાં ભણતરના ભારથી તરૂણે જિંદગી ટૂંકાવી

કરાણામાં ભણતરના ભારથી તરૂણે જિંદગી ટૂંકાવી

ગળેફાંસો ખાઈ આત્મહત્યા : માણેકપરમાં ઝેરી વીછી કરડતા બાળકીનું મોત : ભણગોરમાં હૃદયરોગના હુમલાથી વૃધ્ધનું મૃત્યુ

- Advertisement -

લાલપુર તાલુકાના કરાણા ગામમાં રહેતા તરૂણે ભણતરના ભારથી કંટાળી ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ધ્રોલ તાલુકાના માણેકપર ગામની સીમમાં વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા આદિવાસી પરિવારની બાળકીને વીછી કરડી જતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા વૃધ્ધને હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના કરાણા ગામમાં રહેતાં મુકેશભાઈ રાઠોડ નામના પ્રૌઢનો પુત્ર યશ રાઠોડ (ઉ.વ.16) નામનો તરૂણ અભ્યાસની અવાર-નવાર ચિંતા કરતો હતો અને આ ચિંતામાં જ જિંદગીથી કંટાળી જઈ રવિવારે બપોરના સમયે તેના ઘરે રૂમ બંધ કરી ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા તરૂણને બેશુદ્ધ હાલતમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પુર્વે જ મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગે મૃતકના ભાઈ રામદે દ્વારા જાણ કરાતા હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, ધ્રોલ તાલુકાના માણેકપર ગામના વાડી વિસ્તારમાં દિપકભાઇની વાડીમાં મજૂરીકામ કરતા અદેસીંગભાઈ ભુરીયા નામના યુવાનની પુત્રી મુની ભુરીયા (ઉ.વ.14) નામની બાળકી સોમવારે સવારના સમયે વાડીમાં રહેલા ખડ પાસે રમતી હતી તે દરમિયાન ઝેરી વીછી કરડી જતાં બાળકીની તબીયત લથડતા સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ઈસમાલભાઈ દ્વારા જાણ કરાતા હેકો કે.ડી.કામરીયા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો બનાવ, લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતાં કેશુરભાઈ દેવશીભાઇ કરમુર (ઉ.વ.60) નામના વૃધ્ધ સોમવારે બપોરના સમયે તેના ઘરે હતા તે દરમિયાન એકાએક છાતીમાં દુ:ખાવો થવાથી સારવાર માટે લાલપુરના સીએચસી સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં ફરજ પરના તબીબે મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે નિતેશભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ વી.પી.ઝાલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular