Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરરણજીતસાગર રોડ પરનો બ્રિજ હવે જામ્યુકો બનાવશે, ખર્ચ આપશે બિલ્ડર

રણજીતસાગર રોડ પરનો બ્રિજ હવે જામ્યુકો બનાવશે, ખર્ચ આપશે બિલ્ડર

- Advertisement -

જામનગર નજીક રણજીતસાગર રોડ પર રંગમતિ નદી ઉપર બિલ્ડર દ્વારા બનાવવામાં આવતા પુલને લઇને ભારે વિવાદ ઉભો થયા બાદ હવે આ પુલ જામ્યુકોએ પોતે બનાવવાનો નિર્ણય કર્યો છે. અલબત પુલ નિર્માણનું રૂા. 2.77 કરોડનું ખર્ચ બિલ્ડર ભોગવશે. ખર્ચની આ રકમ જામ્યુકોની તિજોરીમાં જમા કરાવી દેવા બિલ્ડરને જણાવવામાં આવ્યું છે.

- Advertisement -

રણજીતસાગર રોડ પર રંગમતિ નદી ઉપર બિલ્ડર દ્વારા બનાવવામાં આવતા ખાનગી પુલને લઇને ભારે વિવાદ ઉભો થયો હતો. અખબારી અહેવાલો અને રજૂઆતો બાદ જામ્યુકોએ હવે આ બ્રિજ પોતે બનાવવાનો નિર્ણય કર્યો છે. શનિવારે ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગેનો ઠરાવ કરવામાં આવ્યો હતો જે અનુસાર આ બ્રિજનું બાંધકામ તેમજ તેની ડિઝાઇન અને ટેકનિકલ બાબતો જામ્યુકો પોતે સંભાળશે. જો કે, બ્રિજ નિર્માણની રૂા. 2.77 કરોડનું ખર્ચ બિલ્ડર પોતે ભોગવશે. આ રકમ બિલ્ડરને જામ્યુકોની તિજોરીમાં જમા કરાવી દેવા જણાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ બિલ્ડરે રણજીતસાગર રોડ પરના આ બ્રિજને પોતાના ખર્ચે બનાવી આપવાની જામ્યુકોને દરખાસ્ત આપી હતી.

સ્થાયી સમિતિની બેઠકમાં બ્રિજ સહિત કુલ 6 કરોડના જુદા-જુદા કામોને મજુંરી આપવામાં આવી હતી જેમાં આંતરમાળખાકિય સુવિધા, ટાઉનહોલ માટે ટ્રાન્સફોર્મર ખરીદી, સીસી રોડનો સમાવેશ થાય છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્ર્વાનના આતંકને ધ્યાનમાં રાખી શ્ર્વાનની વસ્તી નિયંત્રિત કરવા તેના ખસીકરણ અને રસીકરણ માટે રૂા. 50 લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યુ છે. જયારે શહેરમાંથી પકડવામાં આવેલા અને ઢોરના ડબ્બામાં રાખવામાં આવેલા રઝળતાં ઢોરને અબડાસા સ્થિત પાંજરાપોળમાં ટ્રાન્સપોર્ટ કરવા માટે 1.7 લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જ્ઞાનશકિત સર્કલ ગોકુલનગર જકાત નાકાથી સમર્પણ સર્કલ સુધીના રસ્તાને 30 મીટર પહોળો કરવા માટે ડીપી રોડની અમલવારીને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં ડેપ્યુટી મેયર કિષ્નાબેન સોઢા, ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર જીગ્નેશ નિર્મલ, આસી. કમિશનર કોમલબેન પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular