જામનગર શહેરમાં એસટીડેપોમાંથી નવજાત શીશુનો મૃતદેહ મળી આવતાં ભારે અરેરાટી ફેલાઇ હતી. પોલીસ દ્વારા આ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી બાળકને ત્યજી દેનાર માતાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં એસટીડેપોમાંથી ગઇકાલે સવારે એક નવજાત શીશુનો મૃતદેહ મળી આવ્યો હતો. કોઇ અજ્ઞાત સ્ત્રીએ નવજાત શીશુને જન્મ છુપાવા માટે બાળકના મૃતદેહનો છુપી રીતે નિકાલ કરવા માટે ત્યજી દીધો હોવાથી ભારે અરેરાટી ફેલાઇ હતી. જામનગરના એસ.ટી ડેપો પરથી ગઇકાલે પરોઢિયે નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહનું અડધું ધડ અને માથું જ માત્ર જોવા મળ્યું હતું. નીચેના પગ તથા હાથ વગેરે કુતરા વગેરે ફાડી ખાતાં ભારે અરેરાટી ફેલાઈ હતી. આ બનાવ અંગેની જાણ થતા સૌ પ્રથમ 108ની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યાર પછી સીટી-એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને અજ્ઞાત શિશુના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બાળકને ત્યજી દેનાર માતાની શોધખોળ શરૂ કરી છે. સીટી-એ ડિવિઝનના પીએસઆઇ આર.કે.ગુસાઇ તથા સ્ટાફ દ્વારા અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.