લાલપુર તાલુકાના ઝાખર ગામની સીમમાંથી હત્યા કરી નિપજાવેલો મૃતદેહ સાંપડયાના પ્રકરણમાં મૃતક યુવતી જામનગર નજીકની સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી અને ગુમ થયા બાદ બીજે દિવસે તેનો મૃતદેહ સાંપડયો હતો. આ બનાવમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક તારણમાં પ્રેમ પ્રકરણના કારણે યુવતીની હત્યા નિપજાવ્યાની આશંકાએ તે દિશામાં તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર ગામની સીમમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવતીનું નામ સીમા કાંતિભાઈ પાંડાવદરા (ઉ.વ.22) તેમજ મુળ કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર ગામની વતની અને હાલ જામનગરમાં ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલી સ્વામીનારાયણ કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી હોવાનું અને તે જ હોસ્ટેલમાં રહેતી હોવાનું પણ જાણવા મળ્યું હતું. યુવતી તા.13 મી ના સહી કરીને બહાર નિકળી હતી. ત્યારપછી તે ગુમ થયા બાદ 14 તારીખે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીના કપડાના વર્ણના આધારે કોવિડ હોસ્પિટલમાં તેની સાથે રહેતી અને ફરજ બજાવતી અન્ય એક યુવતીએ ઓળખ બતાવી હતી અને મેઘપર પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
મૃતક યુવતી તેની બહેનપણીના કપડા પહેરીને નીકળી હતી. જેથી તેની ઓળખ થઈ ચૂકી હતી. પોલીસની ઉંડાણપૂર્વકની તપાસમાં આ હત્યા પ્રકરણમાં પ્રેમ સંબંધો કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના અનુસંધાને પોલીસે કેટલાંક શકમંદને પણ ઉપાડી લઇ પૂછપરછ શરૂ કરી દીધી છે. નજીકના ભવિષ્યમાં જ હત્યા કેસનો ભેદ ઉકેલાઈ જાય તેવી શકયતા છે. જે સમગ્ર મામલે મેઘપર પોલીસ વધુ તપાસ ચલાવે છે.
ઝાખરની સીમમાંથી હત્યા નિપજાવેલ સાંપડેલો મૃતદેહ જામનગરની યુવતીનો હોવાની ઓળખ
સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલની નર્સનો હોવાની ઓળખ : ફરજ પૂરી કર્યા પછી હોસ્પિટલેથી નિકળ્યા બાદ લાપતા: બીજે દિવસે હત્યા નિપજાવેલો મૃતદેહ મળી આવ્યો : પ્રેમ પ્રકરણમાં હત્યાની આશંકાએ પોલીસ દ્વારા તે દિશામાં તપાસ