ભારે વરસાદને કારણે પુર આવતાં ઉતરપ્રદેશની ગંગા સહિતની નદીઓના તટેથી મૃતદેહો બહાર આવ્યાં લાગ્યા છે. કોરોનાની બીજી લહેર સમયે નદી તટે દફનાવાયેલાં મૃતદેહો પુરને કારણે બહાર આવવા લાગતાં બીજી લહેરનું વધુ બિહામણું અને વાસ્તવિક ચિત્ર બહાર આવવા લાગ્યું છે.
સંગમ શહેર પ્રયાગરાજમાં ફરીથી એક વખત ગંગા ઘાટ પર દફનાવવામાં આવેલી લાશો બહાર આવવા લાગી છે. શુક્રવારે આવા લગભગ 50થી વધુ શબોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
ગંગામાં આવેલા પૂરના લીધે શબોના અંતિમ સંસ્કાર કરવામાં નગરનિગમના કર્મચારીઓએ ખાસ્સી તકલીફોનો સામનો કરવો પડયો. પૂરના લીધે હોડી દ્વારા લાકડા લાવવા પડયા. નગરનિગમના ઝોનલ અધિકારી પોતાની ટીમની સાથે બહાર આવેલી લાશોના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે.
નગરનિગમના ઝોનલ અધિકારી નીરજસિંહ પોતાના કુટુંબની જેમ આ બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે અને તેને મુખાગ્નિ આપી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં ઘાટ પર કેટલીય લાશો રેતીમાં દફનાવવામાં આવી હતી અને જે લાશો રેતમાંથી બહાર આવી રહી હતી તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યો હતો, જેથી શબ ગંગામાં વહી ન જાય. તે સમયે ગંગામાં જળસ્તર વધવાના લીધે અંતિમ સંસ્કાર રોકવા પડયા હતા, પરંતુ આજે તે જ સ્થિતિ ફરીથી જોવા મળી રહી છે.
નીરજસિંહ પોતે પૂજાપાઠ કરીને હિંદુ રીતરિવાજ મુજબ આ લાશોના અગ્નિસંસ્કાર કરી રહ્યા છે. તેઓને મુખાગ્નિ પણ તે આપે છે. અત્યાર સુધી તે 300થી પણ વધુ બિનવારસી લાશોનો અગ્નિ સંસ્કાર કરી ચૂક્યા છે. બિનવારસી લાશોના સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર કરવાની પ્રક્રિયા ચાર જૂનથી શરુ થઈ છે. નગરનિગમે આ માટે સમિતિ બનાવી છે અને તે શબ નદીમાં વહી ન જાય તેના પર દેખરેખ રાખી રહી છે. ચાર જૂનથી જૂનના અંત સુધીમાં લગભગ દોઢસો લાશોના અંતિમ સંસ્કાર કરવામાં આવી ચૂક્યા હતા.
નદીઓમાં પુર આવતાં ફરી બહાર આવવા લાગ્યા મૃતદેહો
જાણો… કઇ જગ્યાએ તાજી થવા લાગી કોરોનાની બીજી લહેરની બિહામણી યાદો