તા. 26 મે 2014 ના રોજ કેન્દ્રમાં થયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભાજપ સરકારને આઠ વર્ષ પૂર્ણ થતા ખંભાળિયા સહિત જિલ્લા અને દેશભરમાં ઉજવણી અને આ બાબતે સરકારની સફળતા રજુ કરતા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.
આ અંતર્ગત ખંભાળિયામાં મ્યુનિસિપલ ગાર્ડન ખાતે જિલ્લા સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો તથા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ભાજપના જિલ્લા મીડિયા સેલના કન્વીનર હિતેન્દ્રભાઈ આચાર્યએ કેન્દ્રમાં ભાજપની સરકારને આઠ વર્ષ પૂર્ણ થતા તેની સાફલ્ય ગાથા વર્ણવી હતી. જે પછી જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવીએ સૌચ મુક્ત ભારત, હર ઘર નલ યોજના, સહજ બીજલી યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પી.એમ. કિસાન યોજના તથા ડિજિટલ ભારતની સિદ્ધિઓ વર્ણવી હતી.
કેન્દ્ર સરકારની યોજનાઓ દેશમાં પ્રત્યેક ઘર સુધી પહોંચી હોવાનું જણાવી, જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા આઠ વર્ષમાં અનેકવિધ યોજનાઓ અગાઉની કોંગ્રેસ કરતા ટૂંકાગાળામાં હાલ કેન્દ્રની ભાજપ સરકારે અનેકગણી પ્રગતિ કર્યાની વિગતો ઉદાહરણો સાથે રજૂ કરી હતી.
વર્ષ 2014 સુધી સમગ્ર દેશમાં માત્ર સાત એઈમ્સ હોસ્પિટલ હતી, જે હાલ બાવીસ સુધી પહોંચી છે. 4370 શહેરો ખુલ્લામાં શૌચ મુક્ત બન્યા છે. જીએસટી દાખલ કરવામાં આવ્યો ત્યારે વિપક્ષો તેનો વિરોધ કરાયો હતો. જેમાં ગત મે માસમાં 1.41 લાખ કરોડની રકમ ટેક્સ સ્વરૂપે હાંસલ થઈ છે. આગામી વર્ષ 2024માં હર ઘર નલ યોજના પહોંચી જશે. 3.4 લાખ કરોડ કિસાનોને ક્રેડિટ કાર્ડ અને એલ.ઈ.ડી. લાઇટ ઉત્પાદનમાં ભારત સમગ્ર વિશ્વમાં પ્રથમ અને સૌર ઊર્જા નવીનીકરણમાં વિશ્વમાં ચોથું સ્થાન ધરાવે છે. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ દેશમાં બનેલી હાઈ સ્પીડ ટ્રેન વંદેમાતરમ એક્સપ્રેસ અને ત્રણ વર્ષમાં 400 નવી ટ્રેનો શરૂ થશે.
આમ, ખેડૂતો સાથે વેપાર-ઉદ્યોગ, આરોગ્ય, ઉર્જા, સહિત તમામ ક્ષેત્રોમાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા અજોડ વિકાસ કરી, આમ જનતાની સુખાકારીમાં વધારો કર્યો છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમએ આ પંથકના વિકાસનો ચિતાર આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 800 કરોડથી વધુના ખર્ચે બેટ દ્વારકાનો સિગ્નેચર બ્રિજ, દ્વારકાના જગતમંદિરને પ્રવાસન સ્થળમાં સમાવેશ કરાતા કરોડો રૂપિયાની ગ્રાન્ટ, રૂપિયા 1100 કરોડના ખર્ચે નેશનલ હાઈવે, દ્વારકા નજીકના શિવરાજપુર બીચનો કરોડો રૂપિયાના ખર્ચે થઈ રહેલા વિકાસ, સરકારી હોસ્પિટલોમાં નોંધપાત્ર સહાય, રેલ્વે સ્ટેશનોની સુવિધામાં વધારો, છેવાડાના ઓખા સુધી ઈલેક્ટ્રીક રેલવે લાઈન, ડબલ રેલવે ટ્રેક માટેની કામગીરી પણ વર્ણવી હતી.
મહત્વની બાબત તો એ છે કે સમગ્ર વિશ્વમાં ડબલ્યુએચઓ દ્વારા 188 દેશ પૈકી ભારત અને તેમાં પણ જામનગર ખાતે પ્રથમ અને એકમાત્ર આયુર્વેદ સારવાર કેન્દ્રની સ્થાપના, જામનગરનો બ્રાસ સિટી તરીકે વિકાસ અને આ સમગ્ર પંથકમાં ઉદ્યોગો અને વિકાસ માટે વડાપ્રધાન મોદી દ્વારા હંમેશા હકારાત્મક અભિગમ માટેની તત્પરતા પત્રકારો સમક્ષ વર્ણવી હતી.
આ કાર્યક્રમમાં દ્વારકાના તત્કાલિન ધારાસભ્ય પબુભા માણેકે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભારતે દેશ તથા દુનિયામાં પ્રાપ્ત કરેલું માનભર્યું સ્થાન, નિકાસમાં વધારોએ આપણે સૌને વિશ્વમાં ગૌરવ યુક્ત સ્થાન અપાવ્યું છે. દેશમાં ભ્રષ્ટાચાર અટકાવવામાં ભાજપની સરકાર સફળ રહી છે અને છેવાડાના દ્વારકા સુધી કેન્દ્રની કરોડો રૂપિયાની યોજનાનો લાભ મળતો થયો હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ સમગ્ર આયોજનમાં ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજા, તાલુકા પંચાયતમાં પ્રમુખ રામદેભાઈ કરમુર, પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, હરિભાઈ નકુમ, પ્રભાત કાળુભાઈ ચાવડા, હિતેશભાઈ પિંડારિયા, પરબતભાઈ ભાદરકા, ઈન્દ્રજીતસિંહ પરમાર વિગેરે જોડાયા હતા. આ કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ મીડિયા સેલના કન્વીનર હિતેન્દ્રભાઈ આચાર્યએ કરી હતી. સહ કન્વીનર જયસુખભાઈ મોદી અને શહેર મીડિયાના દિલીપસિંહ ચાવડાએ આ સમગ્ર આયોજન માટે જહેમત ઉઠાવી હતી.