ખંભાળિયા પંથકમાં કહેવાતા શિક્ષણવિદ્દ તથા આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા અધ્યક્ષ કે.જે. ગઢવી દ્વારા કૌભાંડ આચરીને અનેક વિદ્યાર્થીઓને બોગસ માર્કશીટ અપાવવાના પ્રકરણમાં તેના દ્વારા કરવામાં આવેલી જામીન અરજીને અહીંની સેશન્સ અદાલતે ફગાવી દીધી હતી.
ખંભાળિયા સાથે સમગ્ર જિલ્લામાં ચકચારી બનેલા આ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતા એક ક્ષત્રિય પરિવારનો પુત્ર વર્ષ 2017માં ધોરણ-10ની પરીક્ષામાં નાપાસ થતાં તેમના દ્વારા ખંભાળિયા તાલુકાના પરોડીયા ગામના મૂળ રહીશ અને હાલ વિજયનગર (કજુરડા) ખાતે રહેતા કારૂ જીવણભાઈ ભાન (કે.જે. ગઢવી) નામના એક શખ્સનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
“માનવ વિદ્યા મંદિર” નામની સ્કૂલ ચલાવતા ઉપરોક્ત શખ્સ કે.જે. ગઢવીએ નાપાસ થયેલા વિદ્યાર્થીના પિતાને વિશ્વાસમાં લઈ અને તેમના પુત્રને પરીક્ષા વગર પાસ કરાવી દેવાનું જણાવ્યું હતું અને તેના બદલામાં રૂપિયા 27 હજારની માંગણી કરી અને આ વિદ્યાર્થીને દિલ્હીની એક કથિત શૈક્ષણિક સંસ્થાની બોગસ માર્કશીટ અપાવી હતી. તેનો ભાંડો અહીંની આર્મીની પરીક્ષા આપતા આ સર્ટિફિકેટના વેરિફિકેશનમાં ફૂટ્યો હતો. જેથી બાળકના પિતા દ્વારા કે.જે. ગઢવી સામે અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઉપરોક્ત શખ્સ દ્વારા અન્ય કેટલાક વિદ્યાર્થીઓની પણ આ પ્રકારે બોગસ માર્કશીટ બનાવી આપવામાં આવી હતી. જે અંગે જિલ્લા એલસીબી પોલીસે તપાસનો દોર હાથમાં લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. હાલ જેલમાં રહેલા કારુ જીવણ ભાનએ ખંભાળિયાની સેશન્સ અદાલતમાં જામીન માટે અરજી કરતા અહીંના વિદ્વાન સરકારી વકીલ કમલેશભાઈ સી. દવે દ્વારા આ સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. સરકારી વકીલની દલીલ મુજબ ઉપરોક્ત આરોપી દ્વારા માસુમ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતો ગુનો આચરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થી વાસ્તવિક રીતે કવોલીફાઈડ થયા છે, તેઓ પણ આ પ્રકારના ગુનાથી તેમના ઉચ્ચ અભ્યાસ અને શૈક્ષણિક બેઠકના હકથી વંચિત રહેતા તેઓને થયેલા આ અન્ય સંદર્ભેનો આ ગુનો હળવાશથી ન શકાય. આ પ્રકારના ગુના સામે સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીની જામીન અરજી રદ્દ થવી જ જોઈએ. તેવી વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર અદાલતે આરોપી કે.જે. ગઢવીની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.