રાજ્યમાં બનાવટી ખાદ્ય પદાર્થની બોલબાલા ચાલી રહી છે. ભેળસેળ કરવાનું તો સામાન્ય બની ગયું છે. ત્યારે ખોરાક અને ઔષધ નિયમન કમિશનર તથા સ્ટાફ દ્વારા રાજ્યભરમાં ચેકિંગ કાર્યવાહી અંતર્ગત ધ્રોલમાંથી ઘીમાં સોયાબિન અને વનસ્પતિ ભેળસેળ કરાતું હોવાનું રંગેહાથ ઝડપાયું હતું. રાજ્યમાંથી 1.4 કરોડનો ખાદ્ય પદાર્થ કબ્જે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય સહિત સમગ્ર રાજ્યમાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો પ્રજાને ધાબડી દેવાની હોડ ચાલી રહી છે. ખાણી-પીણીની દરેક વસ્તુઓમાં ભેળસેળ સાવ સામાન્ય બની ગઇ છે. વેપારીઓ લોકોના સુખાકારીની પરવા કર્યા વગર ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો બેરોકટોક વેચાણ કરતાં હોય છે. ઘણાં સમય પછી રાજ્ય ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ.જી.કોશિયા તથા તેમની ટીમ દ્વારા રાજ્યના જુદા જુદા સ્થળે દરોડા પાડી ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમાં પણ ખાસ કરીને ઘીમાં ખાસ પ્રકારનું રિફાઇન્ડ પામતેલનો ઉપયોગ કરાતું હોવાનું ધ્યાને આવતાં ટીમ દ્વારા કચ્છ અને ગાંધીધામમાં ચેકિંગ કાર્યવાહી દરમ્યાન ગાંધીધામના ભારત ફૂડ્સ કો. ઓપ. લિમિટેડ તથા જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલી ક્રિષ્ના ટ્રેડિંગ કંપનીમાંથી ચાર-ચાર નમૂનાઓ મેળવીને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા ગાંધીધામમાં આવેલી ભારત ફૂડ્ કો. ઓપરેટીવ લિમિટેડમાંથી બે રિફાઇન્ડ પામતેલ, એક સવેરા બ્રાન્ડ રિફાઇન્ડ પામતેલ, એક વનસ્પતિ મળી કુલ ચાર નમૂના વેપારી અખિલેશકુમાર ક્રિષ્નપાલસિંઘની હાજરીમાં લેવાયા હતા. તપાસ દરમ્યાન 67 ટન શંકાસ્પદ રિફાઇન્ડ પામેલત કિંમત રૂા. 1.32 કરોડનો જથ્થો સીઝ કર્યો હતો. પેઢીમાં રિફાઇન્ડ પામતેલ સવેરા બ્રાન્ડના 15 કિલોગ્રામના પેકિંગમાં ઉત્પાદન કરી વેચાણ થતું હોવાનું, લૂઝ ટેન્કર મારફતે વેચાણ કરાતું હતું. જે સંદર્ભે તંત્રએ આ વેંચાણ અટકાવવા નોટીસ ફટકારી હતી.
જામનગર જિલ્લાના ધ્રોલ ગામમાં ઘીનું ઉત્પાદન કરતી ક્રિષ્ના ટ્રેડિંગ કંપનીમાં શુક્રવારે તપાસ દરમ્યાન સ્થળ પરથી ઘીમાં સોયાબિન અને વનસ્પતિનું ભેળસેળ કરાતા રંગે હાથ ઝડપી લીધા હતા. વેપારી ભરત ખીમસૂર્યાની હાજરીમાં ઘીના બે, વનસ્પતિનો એક અને સોયાબિનના તેલના એક એમ કુલ ચાર નમુના ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. રૂા. 5.8 લાખની કિંમતનો બે ટન જેટલો ખાદ્ય પદાર્થ સીઝ કરી ક્રિષ્ના ટ્રેડિંગ કંપનીનું લાયસન્સ રદ્ કરવામાં આવ્યું હતું.


