ધુંવાવ ગામમાં રહેતી અને ભિક્ષાવૃત્તિ કરતી યુવતી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં અદાલત દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તેમજ રૂા.10000 નો દંડનો પણ હુકમ કરવામાં આવ્યો છે.
આ અંગેની વિગત મુજબ, ધુંવાવ ગામમાં રહેતી ભોગ બનનાર ભિક્ષાવૃત્તિ કરતી હતી અને તા.14-9-2022 ના રોજ આરોપીએ ભોગ બનનારને ખાવાનું જોઇએ છે તેમ કહેતા ભોગ બનનારે હા પાડતા આરોપી જુસબ ઉર્ફે કારો ચોર અબ્બાસ કકલ પોતાના છઠીવાડી તરફ લઇ જઇ ભોગ બનનારને બળજબરી કરી નીચે પથરાળ જમીનમાં પછાડી દઇ તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી તેને જેમ ફાવે તેમ મુકા મારતા મૃત્યુ નિપજ્યું હતું. જેથી આરોપી જુસબ ઉર્ફે કારા ચોર વિરૂધ્ધ પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. જે કેસ એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ વી પી અગ્રવાલની કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે ફરિયાદી / અન્ય સાહેદો ડોકટર તથા પોલીસને તપાસવામાં આવ્યા હતાં. તેમજ પૂરાવા પણ પૂરવાર થયા હોય જેથી આરોપી જુસબને તકસીરવાન ઠેરવી આઈપીસી કલમ 302 મુજબ આજીવન કેદ તથા રૂા.10000 નો દંડ તથા દંડ ન ભરે તો વધુ છ માસની સજા તથા કલમ 376, 376(એ) મુજબ 20 વર્ષની સજા, તથા રૂા.5000 દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ એડીશનલ જજ વી પી અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતી વાદી રોકાયા હતાં.