Monday, January 13, 2025
Homeરાજ્યસોનારડીમાં બે સપ્તાહ પૂર્વે થયેલી ઘરફોડ ચોરીમાં પરપ્રાંતિય તસ્કર ઝડપાયો

સોનારડીમાં બે સપ્તાહ પૂર્વે થયેલી ઘરફોડ ચોરીમાં પરપ્રાંતિય તસ્કર ઝડપાયો

રૂ. 4.46 લાખનો મુદ્દામાલ કબજે: અન્ય એક શખ્સની શોધખોળ

- Advertisement -
 દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે ગત તારીખ 11 માર્ચના રોજ એક ક્ષત્રિય ખેડૂત વૃદ્ધના રહેણાંક મકાનમાંથી ₹ 4,11,000 ની રોકડ રકમ તથા સોનાના દાગીનાની ચોરી કરીને એક શખ્સ નાસી બાદ એલ.સી.બી. પોલીસે હરકતમાં આવી, તપાસ દરમિયાન મધ્યપ્રદેશના રહીશ એવા એક યુવાનને દબોચ લીધો હતો. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય એક શખ્સની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા-દ્વારકા હાઈ-વે પર અત્રેથી આશરે 18 કિલોમીટર દૂર આવેલા સોનારડી ગામે રહેતા અને ખેતના વ્યવસાય સાથે સંકળાયેલા દાજીભા જાલમસંગ જાડેજા નામના ક્ષત્રિય વૃદ્ધના ખેતરમાં ઉગેલા કપાસનું વેચાણ તેમના દ્વારા એક વેપારીને કરવામાં આવ્યું હતું. જે બદલ તેમને તા. 11 ના રોજ રૂપિયા 4.11 લાખની રોકડ રકમ મળી હતી. આ રકમ સાથે રાખવામાં આવેલ સોનાના દાગીના સહિત કુલ રૂપિયા 5.31 લાખના મુદ્દામાલ ભરેલા ડબ્બાને લઈને રાત્રિના સમયે એક શખ્સ નાસી છૂટ્યો હોવાની ધોરણસર ફરિયાદ દાજીભા જાલમસંગ જાડેજા દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.
આ પડકારરૂપ પ્રકરણ અંગે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સૂચના મુજબ એલસીબી ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. જે સંદર્ભે એલ.સી.બી. પી.એસ.આઈ. એસ.વી. ગળચરની ટીમ દ્વારા આ અંગે શંકાસ્પદ પરપ્રાંતિય મજૂરોને ફિઝિકલ રીતે તપાસ તથા ટેકનિકલ લેવલથી કાર્યવાહી કરી ખંભાળિયા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ગોઠવવામાં આવેલા સી.સી. ટીવી કેમેરા તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમના સહકારથી ચોરી કરનારા શખ્સોની તપાસ હાથ ધરવામાં આવી હતી.
ચોરીના સ્થળે આરોપી શખ્સે પહેરેલા બુટ મળી આવતા આ અંગેની તપાસમાં રેલવે સ્ટેશન વિસ્તારના નેત્રંમના સી.સી. ટીવી ફૂટેજ તથા આ ચોરીના સમયગાળામાં બે પરપ્રાંતિય શ્રમિકોની શંકાસ્પદ હિલચાલ જણાતા પોલીસ સ્ટાફ દ્વારા એક ટીમ મધ્યપ્રદેશ ખાતે પણ રવાના કરવામાં આવી હતી.
આ અંગેની ઊંડાણપૂર્વકની તપાસમાં મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના બડા ગામ ખાતે રહેતા બાથુ ઉર્ફે દિલો રીછુ મીનાવા નામના 20 વર્ષના આદિવાસી ભીલ શખ્સની ઓળખ છતી થઈ હતી. આથી એલસીબી સ્ટાફના એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા, બોઘાભાઈ કેસરીયા, જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના રેલ્વે સ્ટેશન પાછળના ઝુપડપટ્ટી વિસ્તારમાંથી ઉપરોક્ત શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો.
આ ચોરી પ્રકરણમાં આરોપી બાથુ ઉર્ફે દિલો મીનાવા સાથે અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના સીતુ પીડુ ભાભર નામના શખ્સનું પણ નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા આ શખ્સ પાસેથી પોલીસે રૂપિયા 1,41,380 ની કિંમતના સોનાના દાગીના, રૂ. 3 લાખ રોકડા તથા રૂપિયા 5,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 4,46,380 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઝડપાયેલો આરોપી શખ્સ અગાઉ આ વિસ્તારમાં કામ કરી ચુક્યો હોવાનું તથા હાલ આ બંને શખ્સો ખંભાળિયા પંથકમાં છૂટક મજૂરી કામ કરતા હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. ચોરીના ગુનામાં ઝડપાયેલો આરોપી બાથુ ઊર્ફે દિલો ચોરી કરી અને આ અંગેનું ધ્યાન રાખવા સીતુ ભાભર આ સ્થળેથી થોડે દૂર ધ્યાન રાખવા ઉભો હોવાનું પણ જાણવા મળ્યું છે. પકડાયેલા શખ્સનો કબ્જો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાની રાહબરી હેઠળ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા, કેશુભાઈ ભાટિયા, જયદેવસિંહ જાડેજા, દેવશીભાઈ ગોજીયા, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, બોઘાભાઈ કેસરિયા, મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જીતુભાઈ હુણ, લાખાભાઈ પિંડારિયા, ગોવિંદભાઈ કરમુર, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, નરસીભાઈ સોનગરા, હસમુખભાઈ કટારા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular