ધ્રોલમાં શ્રમિક મહિલાના હત્યાના કેસમાં આરોપી મૃતકના પતિને ધ્રોલ પોલીસે ઝડપી લઇ રૂા.25,500 ની કિંમતના દેશી બનાવટની પિસ્તોલ તથા પાંચ નંગ જીવતા કારતૂસ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, ગત તા.25/10/2023 ના રોજ ધ્રોલ વાડી વિસ્તારમાં શ્રમિક મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આ કેસનો આરોપી મૃતક મહિલાનો પતિ હાલ જાયવા ગામની સીમમાં આશાપુરા હોટલની સામે ફોરેસ્ટની જગ્યામાં હોવાની ધ્રોલ પોલીસ સ્ટેશનના હેકો ડી. પી. વઘોરાને મળેલી માહિતીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક ડી. પી. વાઘેલા તથા ધ્રોલ સર્કલ પીઆઈ એમ બી ગજ્જરના સુપરવીઝન હેઠળ પીએસઆઈ પી.જી.પનારા, હેકો કલ્પેશ દલસાણિયા, કલ્પેશ કામરીયા, ધર્મેન્દ્ર વઘોરા, હિરાભાઈ સોઢીયા, વિપુલભાઇ ગોધાણી, પો.કો. વનરાજ ગઢાદરા, જગદીશ જોગરાણા, રવિરાજસિંહ જાડેજા, જયેશ પઢેરીયા, હરદેવસિંહ જાડેજા અને મહાવીરસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા બાતમીવાળા સ્થળેથી રેઈડ દરમિયાન સરદાર જુરાવર વાસ્કેલીયા નામના શખ્સને ઝડપી લેતા આરોપીએ હત્યાની કબુલાત આપી હતી.
આ અંગે વધુ પૂછપરછ હાથ ધરતાં આરોપી વિરૂધ્ધ અગાઉ મર્ડરનો ગુનો દાખલ થયો હોય. તેઓને દુશ્મનાવટ ચાલતી હોય જેથી એક બંદૂક લીધી હોય અને ધ્રોલ ખાતે વાડી એ સંતાડીને રાખી હોવાનું જણાવતા આરોપીને સાથે રાખી તેની વાડીએથી એક નંગ દેશી બનાવટની પિસ્તોલ તથા પાંચ નંગ જીવતા કારતૂસ સહિત કુલ રૂા. 25,500 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.