ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં વાહન અકસ્માતની કુલ 30,377 દુર્ઘટનાઓ બની છે, જેમાં 13,456 લોકોના મૃત્યું થયાં હતાં. અકસ્માત અને મરણાંકના આટલા ઊંચા આંકડાનું એક મોટું કારણ એ પણ છે કે રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં માત્ર 700 કિલોમીટરના નવા રસ્તા બન્યા છે જેની સામે 68 લાખ વાહનો વધી ગયાં હતાં. દેશના કુલ વાહનોમાં 9% વાહનો એકલા ગુજરાતમાં છે.
રાજ્યમાં કોરોનાકાળના 7 મહિના એટલે કે એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં 4 લાખથી વધારે વાહનોનું વેચાણ થયું હતું. 2020ના ઓક્ટોબર મહિના સુધી રાજ્યમાં વાહનોની કુલ સંખ્યા 2.71 કરોડ થઇ ગઇ હતી. 2019-20માં વાહનોની સંખ્યા 2.67 કરોડ હતી. એપ્રિલથી ઓક્ટોબર 2020 સુધી વાહનોની સંખ્યામાં 4 લાખનો વધારો થયો હતો. વર્ષ 2019-20ના આ 7 મહિનાઓમાં 8 લાખ વાહનો વેચાયાં હતાં. 2020ના એપ્રિલ અને મેમાં સંપૂર્ણ લોકડાઉન હતું એટલે બધું જ બંધ હતું. આ વેચાણ જૂનથી ઓક્ટોબર વચ્ચે થયું હતું. છેલ્લા 5 વર્ષના આંકડાઓ મુજબ, રાજ્યમાં રસ્તાઓની લંબાઇમાં માત્ર 700 કિમીનો વધારો થયો છે જ્યારે વાહનોની સંખ્યામાં 68 લાખ વધારો થયો છે. સામાજિક-આર્થિક સમીક્ષા 2020-21માં અપાયેલા આંકડાઓમાં આ ઘટસ્ફોટ થયો છે. એક લાખની વસતીએ રાજ્યમાં વાહનોનું પ્રમાણ 39.523 છે. 100 ચો.કિમી. ના વિસ્તારમાં વાહનોની સંખ્યા 13628 છે. રોડ ટ્રાન્સપોર્ટ બુક, 2017ના આંકડાઓ મુજબ, દેશના કુલ વાહનોમાં 8.70 ટકા હિસ્સા સાથે ગુજરાતનો ક્રમ ચોથો છે. મહારાષ્ટ્ર 11.93 ટકા સાથે પ્રથમ ક્રમે જ્યારે ઉત્તરપ્રદેશ અને તમિલનાડુ બીજા અને ત્રીજા ક્રમે છે. આ ચાર રાજ્યો અને કર્ણાટક મળી કુલ પાંચ રાજ્યોમાં કુલ વાહનોના 48 ટકા વાહનો છે. મિલિયનથી વધારે વસતીવાળા શહેરોમાં પ્રથમ 5 શહેરોમાં અમદાવાદનું સ્થાન હતું.